નવી દિલ્હીઃ હરિયાણાની સરકારી સ્કૂલોમાં વર્ષ 2016માં ચાર લાખ નકલી વિદ્યાર્થીઓ સંબંધમાં FIR CBIએ નોંધી છે, એમ અધિકારીઓએ માહિતી આપી હતી. પંજાબ અને હરિયાણા હાઇકોર્ટ દ્વારા બીજી નવેમ્બર, 2019એ આપવામાં આવેલા આદેશ પછી આ મામલાની તપાસ CBIને સોંપવામાં આવી હતી. CBIએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો હતો કે આ મામલાની તપાસ મોટી સંખ્યામાં લોકોની જરૂર છે અને તપાસનું કામ રાજ્ય પોલીસને સોંપવામાં આવવું જોઈએ.
SCએ હાલમાં CBIની એ અરજી ફગાવી દીધી હતી. જે પછી તપાસ એજન્સીએ આ મામલા સંબંધમાં FIR નોંધી હતી. હાઇકોર્ટને 2016માં જણાવવામાં આવ્યું હતું કે હરિયાણાની સરકારી સ્કૂલોમાં વિવિધ વર્ગોમાં 22 લાખ વિદ્યાર્થીઓ હતા, પરંતુ વાસ્તવમાં માત્ર 18 લાખ વિદ્યાર્થીઓ હતા અને ચાર લાખ વિદ્યાર્થીઓનો પ્રવેશ નકલી માલૂમ પડ્યા હતા.
કોર્ટે એ પણ જણાવ્યું હતું કે સમાજના પછાત કે ગરીબ વર્ગના વિદ્યાર્થીઓને સ્કૂલ જવા માટે પ્રોત્સાહિત કરવા તથા મધ્યાહન ભોજન યોજના હેઠળ કેટલાક લાભ આપવામાં આવ્યા હતા. હાઇકોર્ટે રાજ્ય સતર્કતા વિભાગને ચાર લાખ અસ્તિત્વહીન વિદ્યાર્થીઓ સંબંધમાં પૈસાની હેરાફેરીની તપાસ માટે એક વરિષ્ઠ અધિકારીને નિયુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.
હાઇકોર્ટે વર્ષ 2019માં આ મામલાની સુનાવણી દરમ્યાન કહ્યું હતું કે આ મામલા સંબંધમાં FIR નોંધ્યા પછી તપાસ બહુ ધીમી છે. ત્યાર બાદ એને ઉચિત, ગહન અને ત્વરિત તપાસ માટે આ મામલો CBIને સોંપ્યો હતો.