એનએસઈના કપાળે ફોન-ટેપિંગના ગુનાનું પણ કાળું ટીલું

નવી દિલ્હીઃ બોલીવૂડનું એક ગીત છેઃ કરોગે યાદ, તો હર બાત યાદ આયેગી…..હા, જ્યારે સ્વેચ્છાએ યાદ કરવામાં આવે ત્યારે ઘણી વાતો યાદ આવી જતી હોય છે. સરકારી કામકાજમાં પણ આવું બનતું હોય છે એનો એક પુરાવો હાલ બહાર આવ્યો છે. એનએસઈ (નૅશનલ સ્ટૉક એક્સચેન્જ)ના કો-લોકેશન કૌભાંડમાં સરકારે ઈચ્છાશક્તિ દાખવી તો એના કૌભાંડીઓ એક પછી એક બહાર આવી રહ્યા છે અને એમની સામે પુરાવાઓ પણ મળી રહ્યા છે.

કો-લોકેશન કૌભાંડ વિશે છેક 2015માં વ્હીસલબ્લોઅરે ફરિયાદ કરી હતી, પણ જ્યારે સરકારી તંત્રે આ વિષયે ખરેખર ગંભીરતાપૂર્વક તપાસ કરીને કાર્યવાહી શરૂ કરી ત્યારથી એક પછી એક ચક્ર ગતિમાન થઈ રહ્યું છે. તાજેતરના ભૂતકાળમાં ચિત્રા રામકૃષ્ણ અને હિમાલયન યોગીનો કિસ્સો બહાર આવ્યો અને તેના પછી તપાસમાં ઝડપ આવી હોય એવું લાગી રહ્યું છે. અગાઉ અનેક માધ્યમોમાં લોકોએ ગાઈબજાવીને કૌભાંડીઓનાં નામ આપ્યાં, પરંતુ સરકાર જાણે કંઈ બન્યું જ ન હોય એવું વલણ અપનાવીને બેઠી હતી. ચિત્રા રામકૃષ્ણે ધડ-માથા વગરની હિમાલયન યોગી સાથેના ઇ-મેઇલ સંદેશવ્યવહારની વાત કરી ત્યારે સૌને આશ્ચર્ય થયું. સરકારે પણ લગભગ ત્યારથી જ તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને તો એનએસઈનો એક સંસ્થા તરીકે બચાવ કરવાનું વલણ અપનાવ્યું હોવાનું એમના નિવેદન પરથી જણાઈ આવે છે. આથી જ તેઓ એનએસઈની સામે નહીં, પરંતુ એનએસઈમાં અગાઉ સંકળાયેલા અને સંડોવાયેલા લોકોની સામે કાર્યવાહી કરાવી રહ્યાં હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે.

ફરી એક વાર કહેવાનું મન થાય છે કે એનએસઈના સમગ્ર કાર્યકાળમાં એને પીસીના ટૂંકા નામે ઓળખાતા ભૂતપૂર્વ નાણાપ્રધાન અને કૉંગ્રેસી પી. ચિદમ્બરમે થાબડભાણાં કર્યાં છે અને એનાં તમામ દુષ્કર્મોને છાવ્યાં છે. માધ્યમોમાં બહાર આવેલી માહિતી દર્શાવે છે કે પીસીએ પોતાની જ કુટિલ નીતિ-રીતિઓ માટે એનએસઈનો દુરુપયોગ કર્યો છે. હવે એવું બનશે કે મૂળ સૂત્રધાર છટકી જશે અને એમનાં પ્યાદાંની સામે કાર્યવાહી થશે. જોકે, ખરેખર ગંભીરતાપૂર્વક કાર્યવાહી થશે એવી આશા પણ રાખી શકાય નહીં, કારણ કે અત્યાર સુધી પીસીએ સરકારી અમલદાર વર્ગ પરની પોતાની પકડનો પરચો બતાવીને એનએસઈને આકરાં પગલાંથી બચાવીને રાખ્યું છે. બીજા અનેક કેસોમાં પણ પીસી અને એમનો દીકરો કાર્તિ ચિદમ્બરમ સંડોવાયેલા છે છતાં એમની સામે કોઈ મોટી કાર્યવાહી થઈ રહી નથી. આના પરથી શંકા જાય છે કે ખરેખર એમને બચાવી લેવામાં આવશે અને એમનાં પ્યાદાંની સામે દેખાડો કરવા પૂરતી કાર્યવાહી કરવામાં આવશે.

અત્યાર સુધી બહાર આવેલી અને વાંચકો સુધી પહોંચાડાયેલી માહિતી પરથી કહી શકાય કે પીસીની ગૅંગમાં આઇએએસ ઑફિસર કે. પી. કૃષ્ણન, એનએસઈના માજી ઉચ્ચાધિકારીઓ – રવિ નારાયણ, ચિત્રા રામકૃષ્ણ, આનંદ સુબ્રમણ્યન તથા અભ્યાસના નામે ડેટાની ઉઠાંતરી કરનારા અજય શાહનો સમાવેશ થાય છે. ચિત્રાના હિમાલયન યોગીના પ્રકરણ વખતે આનંદ સુબ્રમણ્યનનું નામ બહાર આવ્યું અને અત્યારે તેઓ બન્ને જેલની હવા ખાઈ રહ્યાં છે, પરંતુ જૂના જોગી રવિ નારાયણ હજી પણ કાયદાની પકડની બહાર છે. સીબીઆઇએ તપાસ દરમિયાન કે. પી. કૃષ્ણન અને અજય શાહનાં કાળાં કરતૂતો પણ બહાર તો આવી ગયાં, પરંતુ એમની સામે નક્કર કાર્યવાહી થઈ નથી.

દરમિયાન, એક અહેવાલ મુજબ સીબીઆઇએ ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ અને મુંબઈ પોલીસના હાલમાં જ નિવૃત્ત થયેલા કમિશનર સંજય પાંડે વિરુદ્ધ નવો કેસ ફાઇલ કર્યો છે. ગૃહ મંત્રાલયના આદેશાનુસાર આ કેસ નોંધવામાં આવ્યો છે, જેનો સંબંધ વર્ષ 2009 અને 2017ની વચ્ચેના ગાળામાં થયેલા એનએસઈના કર્મચારીઓના ફોનના ટેપિંગ સાથે છે. સીબીઆઇએ આ ફરિયાદમાં અન્ય આરોપોની પણ નોંધ કરી છે.

આ કાર્યવાહી પરથી સ્પષ્ટ થાય છે કે એનએસઈ વિરુદ્ધની તપાસને હવે નવી દિશામાં લઈ જવામાં આવી રહી છે, જેથી કો-લોકેશનનો મુદ્દો સાઇડ પર રહી જાય.

સૂત્રોએ જણાવ્યા અનુસાર સંજય પાંડેનાં અનેક સ્થળોએ સીબીઆઇએ ઝડતી લેવાની શરૂઆત કરી છે. એફઆઇઆરમાં કહેવામાં આવ્યું છે કે આ ત્રણે આરોપીઓ એટલે કે ચિત્રા રામકૃષ્ણ, રવિ નારાયણ અને સંજય પાંડેએ કથિત રીતે એનએસઈના કર્મચારીઓના ફોનનું ટેપિંગ કર્યું હતું. એ કામમાં સંજય પાંડેની કંપનીની મદદ લેવામાં આવી હતી.

નોંધનીય છે કે સંજય પાંડે હજી 30મી જૂને જ મુંબઈના પોલીસ કમિશનરપદેથી નિવૃત્ત થયા છે. એમની નિવૃત્તિના બે દિવસ બાદ જ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે એમને મની લૉન્ડરિંગને લગતા કેસમાં પૂછપરછ માટે બોલાવ્યા હતા. તેમણે માર્ચ 2001માં આઇસેક સિક્યૉરિટીઝ પ્રા.લિ. નામની કંપનીની સ્થાપના કરી હતી. એ વખતે તેઓ પોલીસ દળમાં મોટા હોદ્દા પર હોવા છતાં એમણે કંપની સ્થાપી. પછીથી મે 2006માં એ કંપની એમણે પોતાનાં માતા અને દીકરાના નામે કરી દીધી હતી. આઇસેક સિક્યૉરિટીઝે એનએસઈના કો-લોકેશન કૌભાંડના ગાળામાં એક્સચેન્જનું સિક્યૉરિટી ઑડિટ પણ કર્યું હતું. આ કેસ સંબંધે ઈડીએ ચિત્રા રામકૃષ્ણનું નિવેદન પણ નોંધ્યું છે.

ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યન વિરુદ્ધ મની લૉન્ડરિંગ સંબંધે તપાસ કરવાની જરૂર વ્યક્ત કર્યા બાદ ઈડી સક્રિય થઈ છે. આવક વેરા ખાતું પણ એનએસઈમાં થયેલી ગેરરીતિઓ સંબંધે તપાસ કરી રહ્યું છે. સેબીએ પણ ગયા 2015ના કો-લોકેશન કૌભાંડ સંબંધે 18 એન્ટિટીઝને દોષિત ગણાવીને એમને બધાને મળીને કુલ 43.8 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આરોપીઓમાં એક્સચેન્જના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઑફિસર રવિ વારાણસીનું પણ નામ છે. એમને તથા ચિત્રાને 5-5 કરોડ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે.

આખી દુનિયા જાણે છે કે એનએસઈના કેસમાં પીસી દોષિત છે, પરંતુ એમની વિરુદ્ધ પુરાવા એકઠા કરવા તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી. કે. પી. કૃષ્ણન અને અજય શાહ વિરુદ્ધ સીબીઆઇ તપાસ કરી રહી છે એવા અહેવાલો બહાર આવ્યા, પરંતુ એમની સામે હજી કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી. આ બધા પરથી એવું લાગે છે કે એનએસઈના સંપૂર્ણ ગેરવ્યવહારમાં વધુમાં વધુ ફક્ત ચિત્રા રામકૃષ્ણ અને આનંદ સુબ્રમણ્યનને બલિના બકરા બનાવવામાં આવશે.