નવી દિલ્હી- મોદી સરકારની કેન્દ્રીય કેબિનેટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અધિનિયમમાં સુધારાને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ મોદી સરકાર આ સુધારેલા બિલને સંસદના વર્તમાન સત્રમાં જ રજૂ કરશે.આ મુદ્દે NDAના સાથી પક્ષ લોક જનશક્તિ પાર્ટીના વડા અને કેન્દ્રીય પ્રધાન રામવિલાસ પાસવાને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પત્ર લખ્યો હતો. જેમાં રામવિલાસ પાસવાને સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી મોદી સરકારની છબી દલિત વિરોધી બની હોવાનો દાવો કર્યો હતો. ત્યારબાદ મોદી સરકારે હવે બિલમાં સુધારો કરવાનું નક્કી કર્યું છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ વર્ષની શરુઆતમાં SC/ST એક્ટની કેટલીક મહત્વની જોગવાઈને એમ કહીને નકારી કાઢી હતી કે, તેનો દુરુપયોગ થયો હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોર્ટના આ ચુકાદા બાદ દલિત સંગઠનો દ્વારા દેશના અનેક રાજ્યોમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા. જે દરમિયાન અનેક સ્થળોએ હિંસક ઘટનાઓ પણ નોંધાઈ હતી.
કોર્ટના ચુકાદા બાદથી મોદી સરકાર બેકફૂટ પર જોવા મળી હતી. અને કોંગ્રેસ સહિતના અન્ય વિરોધ પક્ષો મોદી સરકાર ઉપર દલિત વિરોધી હોવાનો આરોપ લગાવી રહ્યા હતા. ત્યાં સુધી કે, દલિતોનું નેતૃત્વ કરી રહેલા NDA સરકારના ઘટક પક્ષોએ પણ આ દિશામાં પગલાં લેવા માટે માગણી કરી હતી.