ચંદ્રયાન-3નું બજેટ ‘ઓપનહાઇમર’, ‘આદિપુરુષ’થી પણ ઓછું

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશન પર વિશ્વની નજર છે. આજે સાંજે ભારત ત્યારે ઇતિહાસ રચશે, જ્યારે વિક્રમ લેન્ડર ચંદ્ર પર ઊતરશે. આ મિશન સફળ થવાથી ચંદ્રની સપાટી પર વેહિકલ (પ્રજ્ઞાન રોવર) ઉતારનાર ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે. અત્યાર સુધી વિશ્વના ત્રણ દેશો આવું કરવામાં સફળ થયા છે, જેમાં અમેરિકા, રશિયા અને ચીન સામેલ છે. જોકે ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર વેહિકલ ઉતારનાર રહેલો દેશ હશે.

ચંદ્રયાન-3 મિશનની સૌથી મોટી વાત એ છે કે વિશ્વની અન્ય અંતરિક્ષ એજન્સીઓની તુલનાએ ઇસરોના આ મિશનનું બજેટ નામમાત્રનું છે. એ હોલીવૂડ અને બોલીવૂડની ફિલ્મોનાં બજેટથી પણ ઓછું છે. હાલમાં આવેલી ફિલ્મો ‘ઓપનહાઇમર’ અને ‘બાર્બી’નું બજેટ ચંદ્રયાન-3 મિશનથી વધુ છે.ચંદ્રનું ઇસરોનું આ ત્રીજું મિશન છે. વિશ્વમાં અંતરિક્ષ મિશનના સફળ થવાની ટકાવારી 50 ટકાથી થોડીક વધુ છે. ચંદ્રનાં કુલ 78 મિશનમાંથી 35 સફળ રહ્યા છે,એમાંથી ત્રણ હજી પણ કાર્યરત છે. વર્ષ 2022માં અંતરિક્ષ પ્રોગ્રામ માટે ઇન્ડિયાનું બજેટ 1.93અબજ ડોલર હતું. એ મામલે વિશ્વમાં ભારત સાતમા સ્થાને છે. એની તુલનાએ અમેરિકાના અંતરિક્ષ પ્રોગ્રામનું બજેટ 61.97 અબજ ડોલર હતું. આમ ઇન્ડિયાના બજેટની તુલનાએ એ 3111 ટકા વધુ છે.

ચંદ્રયાન-3 મિશન પર માત્ર રૂ. 615 કરોડનો ખર્ચ થયો છે. એની તુલનાએ હાલમાં આવેલી કેટલીક ફિલ્મોનાં બજેટ વધુ હતાં. હોલીવૂડની મશહૂર ફિલ્મ ‘ઓપનહાઇમર’નું બજેટ આશરે રૂ. 813 કરોડ હતું, જ્યારે બોલીવૂડની ફિલ્મ ‘આદિપુરુષ’નું બજેટ આશરે રૂ. 700 કરોડ હતું. ઇસરોની આ સફળતાથી વિશ્વઆખું હેરાન છે.