નવી દિલ્હી – આજે સંસદમાં કેન્દ્રીય બજેટ-2019 રજૂ કરનાર નિર્મલા સીતારામન સ્વ. ઈન્દિરા ગાંધી બાદ દેશનાં માત્ર બીજાં જ મહિલા નાણાંપ્રધાન બન્યાં છે. ઉલ્લેખનીય બાબત એ છે કે સીતારામનનાં માતા-પિતાએ પણ એમનાં પુત્રીને બજેટ રજૂ કરતાં નિહાળ્યાં, ના, ઘેર બેઠાં ટીવી પર નહીં, પણ લોકસભામાં ઉપસ્થિત રહીને એમણે આ ઐતિહાસિક ક્ષણનો લ્હાવો લીધો હતો.
બીજેપી-એનડીએ સરકારની બીજી મુદતમાં નિર્મલા સીતારામન દેશનાં પ્રથમ ફૂલ-ટાઈમ નાણાં પ્રધાન છે. આ અગાઉ 1970માં તત્કાલીન વડાં પ્રધાન ઈંદિરા ગાંધીએ નાણાં મંત્રાલયનો કાર્યભાર પણ સંભાળ્યો હતો અને એમણે કેન્દ્રીય બજેટ રજૂ કર્યું હતું. જોકે ઈંદિરા ગાંધી કામચલાઉ નાણાં પ્રધાન હતાં. એટલે 2019-20 માટેનું બજેટ રજૂ કરનાર નિર્મલા સીતારામન પ્રથમ ફૂલ-ટાઈમ મહિલા નાણાંપ્રધાન છે.
આ ગૌરવશાળી ક્ષણના સાક્ષી એમનાં માતા-પિતા સાવિત્રી સીતારામન અને નારાયણ સીતારામન પણ રહ્યાં હતાં. સવારે તેઓ એમનાં પુત્રીની સાથે જ સંસદભવન પહોંચ્યાં હતાં અને બાદમાં લોકસભા ગૃહની વ્યુઅર્સ ગેલેરીમાં બેસીને તેમણે બજેટની રજૂઆત નિહાળી હતી. તેઓ નિર્મલા સીતારામન સાથે જ સંસદમાં પહોંચ્યા હતા.
નિર્મલાનાં પિતા નારાયણ સીતારામન ભારતીય રેલવેનાં ભૂતપૂર્વ કર્મચારી છે. એમનો પરિવાર તામિલનાડુનિવાસી છે.
નિર્મલા સીતારામને એમનાં બજેટમાં મધ્યમવર્ગને થોડીક રાહત આપી છે. તો શ્રીમંતો પર ટેક્સ વધારીને એમને આંચકો આપ્યો છે. સામાજિક વ્યવસ્થાને પ્રોત્સાહન આપવા માટે સોશિયલ સ્ટૉક ઍક્સચેન્જ બનાવવાનો પ્લાન રજૂ કર્યો છે. મહિલા વેપાર સાહસિકતાને પણ ‘નારી તું નારાયણી’ યોજના હેઠળ પ્રોત્સાહન આપ્યું છે.
ઈ-વાહનોની ખરીદી માટે GST પર છૂટ આપી છે. તો NRIને તત્કાળ આધાર કાર્ડ બનાવી આપવાની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત, ‘ભારતમાં અભ્યાસ કરો’ એવી યોજના થકી વિદેશી વિદ્યાર્થીઓને ભારતમાં ભણવા માટે પ્રોત્સાહિત કર્યાં છે.
httpss://twitter.com/ANI/status/1147009070508969985