એક મુસ્લિમ વ્યક્તિને ઘરમાં શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી ભારે પડી

નવી દિલ્હી- ઉત્તર પ્રદેશમાં અલીગઢમાં એક મુસ્લિમ વ્યક્તિને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચવી ભારે પડી ગઈ. મુસ્લિમ થઈને ગીતા વાંચવા મામલે કેટલાક લોકોએ તેમની સાથે મારપીટ કરી. હિન્દુઓના પવિત્ર ધાર્મિક પુસ્તક ભગવદ્ ગીતા વાંચવા પર 55 વર્ષી મુસ્લિમ વ્યક્તિને તેમના જ સમુદાયના યુવકોએ માર માર્યો. પોલીસે આ મામલે મારપીટ કરવાનો કેસ નોંધ્યો છે.

પોલીસ અનુસાર, ફેકટરીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતાં દિલશેર ગુરુવાર સવારે કામ પરથી પરત આવ્યાં બાદ તેમના ઘરમાં બેસીને પવિત્ર ગ્રંથ ભગવદ્ ગીતા વાંચી રહ્યાં હતાં. તે જ સમયે સમીર, ઝાકીર અને કેટલાક અન્ય યુવક દિલશેરના ઘરે પહોંચી ગયાં અને ભગવદ્ ગીતા વાંચવા મામલે દિલશેરની મારપીટ કરવા લાગ્યાં. એટલું જ નહીં આરોપીઓ દિલશેર પાસેથી ગીતા અને રામાયણ જેવા પવિત્ર ધાર્મિક પુસ્તકો પણ ઝૂંટવીને તેમની સાથે લઈ ગયાં.

પીડિત દિલશેરે આ ઘટનાને લઈને કહ્યું કે, હું મુસ્લિમ છું પરંતુ છેલ્લા 38 વર્ષોથી ધાર્મિક પુસ્તકો વાંચુ છું. મારો ધર્મ મને કોઈ અન્ય પવિત્ર પુસ્તક વાંચવાથી ન રોકી શકે. પરંતુ કેટલાક મુસ્લિમ યુવકોએ આ મામલે આપત્તિ દર્શાવતાં મારી સાથે મારપીટ કરી.

પ્રતીકાત્મક તસવીર

પોલીસે દિલશેરની મારપીટ મામલે આરોપી સમીર, ઝાકીર સહિત કેટલાક અજ્ઞાત યુવકો વિરુદ્ધ આઈપીસીની ધારા 298 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવી) અને 323 (મારપીટ અને ઈજા પહોંચાડવા) હેઠળ કેસ ફાઈલ કર્યો છે. આ મામલાને લઈને અલીગઢના એસપી CT અભિષેકે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે, અને આરોપીઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]