નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં રાજનૈતિક દળોમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. યૂપી મહાગઠબંધન દ્વારા કોંગ્રેસ વિરુદ્ધ બે સીટો પર ઉમેદવાર ન ઉતારવાના નિર્ણયના જવાબમાં કોંગ્રેસે રાજ્યની 7 સીટો પર ઉમેદવાર ન ઉતારવાની જાહેરાત કરી છે. જો કે બીએસપી ચીફ માયાવતીએ કોંગ્રેસની દરિયાદિલીનો કોઈ ભાવ નથી આવ્યો અને એક ઝાટકો આપતા આજે સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસ 7 સીટો છોડવાનો ભ્રમ ન ફેલાવે અને તે રાજ્યની તમામ સીટો પર પોતાના ઉમેદવાર ઉતારવા માટે સ્વતંત્ર છે.
માયાવતીએ કહ્યું કે બીએસપી કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન નહી કરે. માયાવતીએ એ પણ કહ્યું કે સમાજવાદી પાર્ટી સાથે તેમનું ગઠબંધન રાજ્યમાં બીજેપીને પરાજીત કરવામાં પૂર્ણ રીતે સક્ષમ છે. બીએસપી અધ્યક્ષે ટ્વિટ કરીને કહ્યું કે, કોંગ્રેસ યૂપીમાં પણ પૂર્ણ રીતે સ્વતંત્ર છે કે તે અહીંયાની તમામ 80 સીટો પર પોતાના ઉમેદવારો ઉભા રાખીને એકલી ચૂંટણી લડે અર્થાત અમારુ અહીંયા બનેલું ગઠબંધન એકલું જ બીજેપીને પરાજિત કરવામાં પૂર્ણ રીતે સક્ષમ છે. કોંગ્રેસ જબરદસ્તી યૂપીમાં ગઠબંધન માટે 7 સીટો છોડવાની ભ્રાંતિ ન ફેલાવે.
માયાવતીએ કહ્યું કે બીએસપી એકવાર ફરીથી સ્પષ્ટતા કરવા ઈચ્છે છે કે ઉત્તર પ્રદેશ સહિત આખા દેશમાં કોંગ્રેસ પાર્ટી સાથે અમારો કોઈપણ પ્રકારનો તાલમેલ અને ગઠબંધન નથી. અમારા લોકો કોંગ્રેસ પાર્ટી દ્વારા ફેલાવવામાં આવતા ભ્રમમાં ન આવે. આ પહેલા કોંગ્રેસ પાર્ટીએ જાહેરાત કરી હતી કે ઉત્તર પ્રદેશમાં 7 સીટો પર પોતાના ઉમેદવાર નહી ઉતારે.