ગોવાના નવા મુખ્ય પ્રધાન કોણ બનશે? સર્વસંમતિ માટે ભાજપના પ્રયાસો ચાલુ છે

પણજી – મનોહર પરિકરના ગઈ કાલે નિધન બાદ ગોવાના મુખ્યપ્રધાન તરીકે એમના અનુગામી નેતાની પસંદગી માટે શાસક ભારતીય જનતા પાર્ટીમાં હજી સુધી કોઈ સર્વસંમતિ સાધી શકાઈ નથી.

કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી ગઈ મધરાતે જ પણજી આવી પહોંચ્યા હતા અને પરિકરના અનુગામીના મામલે ભાજપના વિધાનસભ્યો તેમજ સહયોગી પાર્ટીઓના નેતાઓ સાથે મસલત શરૂ કરી દીધી હતી.

63 વર્ષીય પરિકરનું કેન્સરની બીમારીને કારણે ગઈ કાલે સાંજે અહીંથી નજીક આવેલા એમના નિવાસસ્થાને નિધન થયું હતું.

2017માં પરિકરની આગેવાની હેઠળ ગોવામાં મિશ્ર સરકાર રચવામાં ગડકરીએ સફળતા મેળવી હતી. એ આજે રાતે ભાજપ ગોવા વિધાનસભા પક્ષના સભ્યો સાથે ચર્ચા કરશે.

ગડકરી તે ઉપરાંત ભાજપના સહયોગી પક્ષો – મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી, ગોવા ફોરવર્ડ પાર્ટી તથા અપક્ષ વિધાનસભ્યો સાથે પણ ચર્ચા કરશે. આ તમામ પક્ષો અને અપક્ષોએ પરિકરની આગેવાની હેઠળની સરકારને ટેકો આપ્યો હતો.

2017ની ગોવા વિધાનસભા ચૂંટણીમાં ભાજપને બહુમતી ન મળતાં પરિકરને સંરક્ષણ પ્રધાન પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને ફરી ગોવાનું મુખ્યપ્રધાન સંભાળવું પડ્યું હતું.

40-સભ્યોની ગોવા વિધાનસભામાં, ભાજપની આગેવાની હેઠળની મિશ્ર સરકારનું રાજ છે, પરંતુ કોંગ્રેસ રાજ્યમાં સૌથી વધુ બેઠક જીતનાર પાર્ટી છે. એના 14 સભ્યો છે જ્યારે ભાજપના 12 છે. ગોવા ફોરવર્ડ પાર્ટી, એમજીપી અને અપક્ષો 3-3 છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો એક વિધાનસભ્ય છે. સરકાર રચવા માટે ઓછામાં ઓછા 19 સભ્યો હોવા જરૂરી છે.

દિગંબર કામત

પરંતુ, આ વર્ષના આરંભમાં ભાજપના વિધાનસભ્ય ફ્રાન્સિસ ડીસોઝા અને હવે પરિકરનાં નિધનને કારણે વિધાનસભામાં કુલ સભ્યસંખ્યા ઘટી છે. કોંગ્રેસના બે વિધાનસભ્યો – સુભાષ શિરોડકર અને દયાનંદ સોપટેએ ગયા વર્ષે રાજીનામું આપ્યું હતું. આમ, વિધાનસભામાં સભ્યસંખ્યા 40થી ઘટીને 36 થઈ છે.

ગોવા ભાજપના એક સિનિયર નેતાએ કહ્યું છે કે નવા મુખ્ય પ્રધાનની પસંદગી આવતી કાલે સવાર સુધીમાં થઈ જશે. ‘શું સહયોગી પાર્ટીઓ ટેકો આપશે?’ એવા સવાલના જવાબમાં ભાજપના નેતાએ કહ્યું કે, કંઈ કહી ન શકાય, કારણ કે સહયોગી પાર્ટીઓએ પરિકરની આગેવાની હેઠળની સરકારને જ ટેકો આપ્યો હતો.

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા વિજય સરદેસાઈએ કહ્યું છે કે, કોણ શું નિર્ણય લેશે એ કહી ન શકાય, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે સરકાર ટકી જાય, કારણ કે વિધાનસભાનું વિસર્જન કરી દેવામાં આવે કે એને સુષુપ્ત અવસ્થામાં રાખી દેવામાં આવે એવું કોઈ નહીં ઈચ્છે.

એવા અહેવાલો છે કે ભાજપની નેતાગીરી કોંગ્રેસના વિધાનસભ્ય અને ભૂતપૂર્વ મુખ્યપ્રધાન દિગંબર કામત સાથે ચર્ચામાં છે. કામતને ભાજપમાં સામેલ કરવાના અને પરિકરના અનુગામી બનાવવાના પ્રયાસો ચાલુ છે

કામતે કહ્યું છે કે એમને ભાજપ તરફથી કોઈ ઓફર કરવામાં આવી નથી.