મનોહર પરિકરનું અનંતયાત્રાએ મહાપ્રયાણ; મીરામાર બીચ પર લશ્કરી સમ્માન સાથે અંતિમ સંસ્કાર

પણજી – ગોવાના મુખ્ય પ્રધાન અને ભૂતપૂર્વ સંરક્ષણ પ્રધાન મનોહર પરિકરને આજે સાંજે અહીં હજારો લોકોએ અશ્રુભીની અંતિમ વિદાય આપી છે. અહીંના મીરામાર બીચ પર સાંજે પાંચ વાગ્યે સંપૂર્ણ લશ્કરી સમ્માન સાથે એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. પરિકરના મોટા પુત્ર ઉત્પલે વૈદિક રિવાજો અનુસાર એમના પિતાના પાર્થિવ શરીરને અગ્નિદાહ આપ્યો હતો. એ સાથે જ લોકલાડીલા નેતા પંચમહાભૂતમાં વિલીન થયા.

મીરામાર બીચ પર હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ગ્રાઉન્ડ ‘ભારત માતા કી જય’, ‘મનોહર પરિકર અમર રહે’ નારાથી ગૂંજી ઊઠ્યું હતું. ભારતીય સેનાની ત્રણેય પાંખના વડા, અધિકારીઓએ પરિકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દિવંગત સંરક્ષણ પ્રધાનને ગન સેલ્યૂટ આપવામાં આવી હતી.

63 વર્ષીય પરિકરે ગઈ કાલે પણજીમાં એમના પુત્રના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધો હતો. પરિકરને કેન્સર હતું અને એ છેલ્લા એક વર્ષથી સારવાર હેઠળ હતા.

પરિકરના પાર્થિવ શરીરને આજે સવારે 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી પણજીના કલા એકેડેમી ખાતે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, ભાજપપ્રમુખ અમિત શાહ સહિત અનેક મહાનુભાવોએ પરિકરનાં અંતિમ દર્શન કરી એમને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ એમની અંતિમ યાત્રામાં સામેલ થયાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]