નવી દિલ્હી – બ્રિટને આજે ભારતને ખાતરી આપી છે કે ભારતમાં કરોડો રૂપિયાની બેન્ક લોન ચૂકતે ન કરવાની છેતરપીંડીના કેસોમાં આરોપીઓ બનેલા હીરાના ફરાર વેપારી નીરવ મોદી અને લિકર ઉદ્યોગના મહારથી વિજય માલ્યાના પ્રત્યાર્પણની પ્રક્રિયામાં પોતે સંપૂર્ણપણે સહકાર આપશે. આ જાણકારી કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન કિરન રીજીજુએ આપી છે.
સરકારી સૂત્રોએ કહ્યું કે રૂ. 13,500 કરોડના પંજાબ નેશનલ બેન્ક છેતરપીંડી કેસના આરોપી નીરવ મોદી બ્રિટનમાં રહે છે એવા અહેવાલોને બ્રિટનના ત્રાસવાદ-વિરોધી ખાતાનાં પ્રધાન બેરોનેસ વિલિયમ્સે સમર્થન આપ્યું છે. મોદીએ બ્રિટનમાં રાજકીય આશ્રય માગ્યો હોવાના અહેવાલોને પગલે બ્રિટિશ પ્રધાને આ કબૂલાત કરી છે.
નવી દિલ્હીમાં આયોજિત ત્રાસવાદ-વિરોધી એક વાટાઘાટમાં વિલિયમ્સે રીજીજુને ખાતરી આપી છે કે એમનો દેશ નીરવ મોદી અને માલ્યાની સોંપણી ભારતને કરવાની પ્રક્રિયામાં સંપૂર્ણ સહકાર આપશે.
તે બેઠક બાદ રીજીજુએ પત્રકારોને કહ્યું કે યુકેનાં પ્રધાન બેરોનેસ વિલિયમ્સ સાથે મારે ઘણી ઉપયોગી બેઠક થઈ છે. અમે ત્રાસવાદનો સામનો કરવામાં ભારત અને યુકેનાના સંયુક્ત પ્રયાસો અંગે ચર્ચા કરી હતી. અમે પ્રત્યાર્પણને લગતી બાબતોમાં સહકાર આપવા અને માહિતીની આપ-લે કરવા માટે પણ સહમત થયા છીએ.
બ્રિટનના પ્રધાને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી છે, પછી તે વિજય માલ્યાનો કેસ હોય, નીરવ મોદીનો કેસ હોય કે અન્ય કોઈ વ્યક્તિનો કેસ હોય.
ઉલ્લેખનીય છે કે, પીએનબીની મુંબઈ શાખાના અણઘડ સ્ટાફે અનેક વર્ષો સુધી ઈસ્યૂ કરેલી ગેરકાયદેસર ગેરન્ટીઓનો ઉપયોગ કરીને અન્ય બેન્કોની વિદેશમાંની શાખાઓ પાસેથી ધિરાણ વધારીને કરેલી છેતરપીંડી કરવાનો નીરવ મોદી તથા એમના મામા મેહુલ ચોકસી પર આરોપ મૂકીને એમની સામે કેસ કર્યો છે. બેન્કે કેસ કર્યા બાદ ગઈ 31 જાન્યુઆરીએ સીબીઆઈએ મોદી સામે ક્રિમિનલ કેસ ફાઈલ ક્રયો હતો. પરંતુ એના એક મહિના પહેલાં જ નીરવ મોદી એમના પરિવારની સાથે ભારતમાંથી ભાગી ગયા હતા.
જ્યારે લિકર અને એવિએશન ઉદ્યોગના મહારથી વિજય માલ્યાએ ભારતની એસબીઆઈ તથા અન્ય બેન્કો પાસેથી લીધેલી કરોડો રૂપિયાની લોન પરત કરી નથી અને બ્રિટન ભાગી ગયા છે. એ લોન એમના ગ્રુપની કિંગફિશર એરલાઈન્સે લીધી હતી. કિંગફિશર એરલાઈન્સ બંધ પડી ગઈ છે.