વિધાનસભા ભંગ કરો, અમે ચૂંટણી માટે તૈયાર છીએઃ ભાજપ

હૈદરાબાદઃ મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવના રાજ્યમાં તત્કાળ ચૂંટણી યોજાવી જોઈએની ટિપ્પણીને પડકારતાં ભાજપના રાજ્યના ઇન-ચાર્જ અને રાષ્ટ્રીય મહા સચિવ તરુણ ચુગે કહ્યું હતું કે શુભસ્ય શીઘ્રમ- સારી બાબતો ત્વરિત થવી જોઈએ. તેલંગાણામાં સમયથી પહેલાં ચૂંટણીની તારીખોની ઘોષણા કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી કે. ચંદ્રશેખર રાવના પડકારના જવાબમાં ચુગે કહ્યું હતું કે સત્તાધારી સરકાર વિધાનસભા તત્કાળ ભંગ કરે, તો અમે નવા જનાદેશ માટે ચૂંટણીનું આહવાન કરીએ છીએ.

તેમણે કહ્યું હતું કે મુખ્ય મંત્રીની એ માગ કે ભાજપ તારીખ નક્કી કરે એ ગેરબંધારણીય છે. ચૂંટણી પંચ દ્વારા તારીખો નક્કી કરવામાં આવશે. ભાજપ 15 દિવસમાં કે એ પછી ચૂંટણી થાય તો ભાજપ એ માટે તૈયાર છે. ભાજપની માગ છે કે મુખ્ય મંત્રી ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરે, એમ તેમણે કહ્યું હતું.

તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મુખ્ય મંત્રી ચૂંટણી યોજવા માટે ગભરાઈ રહ્યા છે અને અસમંજતા અનુભવી રહ્યા છે. તેઓ અને તેમનો પરિવાર ત્રીજી જુલાઈની વડા પ્રધાન મોદીને જાહેર સભામાં મળેલા પ્રચંડ પ્રતિસાદથી હેરાન-પરેશાન છે. તેમને રાજ્યની જનતાનો મૂડ હવે ખબર પડી ગઈ છે.

મુખ્ય પ્રધાને ટિપ્પણી કરી હતી કે વડા પ્રધાન ભારત આઝાદ થયો એ પછી ઇતિહાસના સૌથી નબળા વડા પ્રધાનોમાંના એક છે. એના જવાબમાં ચુગે કહ્યું હતું કે એ નબળા છે, કેમ કે તેમણે રેકોર્ડ સમયમાં 200 કરોડ રસીના ડોઝ આપ્યા છે, જે વિકસિત દેશો પણ નથી કરી શક્યા. તેઓ નબળા છે, કેમ કે  તેમણે તેલંગાણામાં 1.92 કરોડ ગરીબોને મફતમાં અનાજનું વિતરણ કર્યું છે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]