વસ્તીવધારા મુદ્દે યોગી-નક્વી વચ્ચે શાબ્દિક ટપાટપી

નવી દિલ્હીઃ જાગતિક વસ્તી દિવસ નિમિત્તે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કરેલા નિવેદનની ભારતીય જનતા પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ નામ લીધા વગર ટીકા કરી છે. આને કારણે ભાજપમાં આંતરિક વિવાદ સપાટી પર આવી ગયો છે. ભાજપના બે નેતાએ પરસ્પર વિરોધી ભૂમિકા લેતાં સોશ્યલ મીડિયા પર એ ચર્ચાનો વિષય બની ગયો છે.

યોગીએ એમના નિવેદનમાં એમ કહ્યું હતું કે સમાજમાં વસ્તીનું સંતુુલન બગાડશો નહીં. વિશિષ્ટ વર્ગની વસ્તી ઝડપથી વધી રહી છે અને એને કારણે મૂળ લોકોની વસ્તી ઘટી રહી છે, પરિણામે અરાજકતા ઊભી થઈ રહી છે.

મુખ્તાર અબ્બાસ નક્વીએ ટ્વિટર પર એનો જવાબ આપ્યો છે. એમણે નામ લીધા વગર કહ્યું છે કે જનસંખ્યા એ ધાર્મિક સમસ્યા નથી, પરંતુ દેશની સમસ્યા છે. એને જાતિ કે ધર્મ સાથે જોડવી યોગ્ય નથી. ઉલ્લેખનીય છે કે, નક્વી રાજ્યસભાના સદસ્ય હતા અને કેન્દ્રીય પ્રધાન પદે હતા. એમની મુદત પૂરી થવા આવી છે, પરંતુ ભાજપે એમને રાજ્યસભાની ઉમેદવારી ફરી ન આપતાં એમને રાજીનામું આપી દેવું પડ્યું છે.