પુણેઃ અહીંના આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાયાના સમાચારથી ખળભળાટ મચી ગયો છે. એને કારણે આખા પુણે શહેરની પોલીસ સતર્ક થઈ ગઈ છે. પોલીસનું કહેવું છે કે દિલ્હીનિવાસી નીતા પ્રકાશ કૃપલાની નામની એક મહિલાએ આ ધમકી આપી હતી. પોલીસે તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સંબંધિત મહિલા 72 વર્ષની છે અને તે પુણે એરપોર્ટ પર આવી હોવાનું કહેવાય છે. તે ગઈ કાલે બપોરે અઢી વાગ્યાની આસપાસ એરપોર્ટ ખાતે આવી હતી. તે વખતે દીપાલી ઝાવરે નામની મહિલા સિક્યુરિટી ગાર્ડે તેની પૂછપરછ કરી હતી ત્યારે તે મહિલાએ એમ કહ્યું હતું કે એનાં શરીર પર ચારેબાજુ બોમ્બ મૂકવામાં આવ્યા છે. તે મહિલા દિલ્હીની ફ્લાઈટમાં જવાની હતી, પણ દીપાલી ઝાવરેએ નોંધાવેલી ફરિયાદને પગલે એરપોર્ટ પોલીસે નીતા નામની મહિલા સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
શરીર પર બોમ્બ મૂક્યાનો તે મહિલાનો દાવો માત્ર અફવા ફેલાવવા માટેનો જ હતો એવું પોલીસનું કહેવું છે. એરપોર્ટ પોલીસે તે મહિલાને નોટિસ મોકલી છે, પરંતુ એની તરફથી જવાબ ન આવતાં હવે એની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. પુણે એરપોર્ટ ખાતે સુરક્ષા બંદોબસ્ત વધારે કડક બનાવી દેવામાં આવ્યો છે.