મુંબઈઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સરકારના મહત્ત્વાકાંક્ષી એવા મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર (બુલેટ ટ્રેન પ્રોજેક્ટ)માં મુંબઈનું બાન્દ્રા કુર્લા કોમ્પલેક્સ (બીકેસી) એકમાત્ર ભૂગર્ભ સ્ટેશન રહેશે. આ સ્ટેશનમાં ઝીરો સીવેજ ડિસ્ચાર્જ સિસ્ટમ બેસાડવામાં આવશે. ગંદાપાણીનો સંપૂર્ણપણે નિકાલ કરનારી યંત્રણા એક વ્યૂહાત્મક વેસ્ટવોટર મેનેજમેન્ટ સિસ્ટમ છે. તેનાથી ગંદાપાણીનો પર્યાવરણમાં કોઈ નિકાલ થતો નથી. એમાં ગંદાપાણીને રીસાઈક્લિંગ પ્રક્રિયા દ્વારા ઔદ્યોગિક વપરાશ માટે લાયક બનાવવામાં આવે છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સંચાલક સંસ્થા નેશનલ હાઈ-સ્પીડ રેલ કોર્પોરેશનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યા મુજબ, બીકેસી સ્ટેશનમાં ત્રણ માળ હશે. એક પ્લેટફોર્મ હશે, બીજો કોન્કોર્સ (લોકો જ્યાં જમા થઈ શકે) તથા ત્રીજો સર્વિસ માળ હશે. પ્લેટફોર્મ જમીનથી આશરે 24 મીટરની ઊંડાઈએ હશે. સ્ટેશનમાં છ પ્લેટફોર્મ હશે. દરેક પ્લેટફોર્મની લંબાઈ 415 મીટર હશે જે 16-ડબ્બાવાળી બુલેટ ટ્રેનને સમાવવા પર્યાપ્ત હશે.