નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની જીતને લઈને ભાજપમાં ગજબનો આત્મવિશ્વાસ છે. વડા પ્રધાન મોદીએ ડંકાની ચોટ પર કહ્યું છે કે શપથના દિવસથી દેશમાં કામનો ધમધમાટ શરૂ થઈ જશે. ભાજપે આ વખતે 400 સીટો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ભારતમાં 242 સીટ છે. 2019 લોકસભા ચૂંટણીમં ભાજપે 183 સીટો જીતી હતી. દક્ષિણ ભારતમાં લોકસભાની 132 સીટ છે અને ગઈ વખતે ભાજપને માત્ર 29 સીટો મળી હતી.
વર્ષ 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે એકલાએ 436 સીટો પર લડ્યો હતો. 436 સીટોમાંથી 303 સીટો પર જીત મળી હતી. આ હિસાબથી 2019ની ચૂંટણીમાં ભાજપનો સ્ટ્રાઇક રેટ 69 ટકા હતો. હવે ભાજપે 370નો ટાર્ગેટ પૂરો કરવા માટે 83 ટકાનો સ્ટ્રાઇક રેટ રાખવો પડશે. આ વખતે 446 સીટો પર ભાજપ લડી રહ્યો છે. 176 સીટો એવી છે, જ્યાં ભાજપ ક્યારેય નથી જીત્યો. 2024માં ભાજપ 106 સીટો પર ચૂંટણી લડી રહ્યો છે.
દક્ષિણમાં સાત રાજ્યો એવાં છે, જ્યાં લોકસભાની 87 સીટો છે, પરંતુ આ રાજ્યોમાં જીત હાંસલ કર્યા વગર ભાજપનું 370નું લક્ષ્ય હાંસલ કરવું અસંભવ છે. કેરળની લોકસભાની 20 સીટો એવી છે, જેમાંથી 16 સીટો એવી છે, જ્યાં ભાજપ ક્યારેય નથી જીત્યો. તામિલનાડુમાં 39 સીટો છે, એમાંથી 16 સીટો પર કમળ ક્યારેય નથી ખીલ્યું. વડા પ્રધાન મોદી અને ભાજપ જાણે છે કે 370 સીટ જીતવી અશક્ય છે, એટલે વિરોધ પક્ષોમાંથી છોડીને આવેલા દરેક ચહેરાનું ભાજપ સ્વાગત કરી રહ્યો છે.