નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મંગળવારે બિહારના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કર્પૂરી ઠાકુરને ભારતરત્નથી સન્માનિત કરવાનું એલાન કર્યું હતું. સરકારે આ નિર્ણય તેમની 100મી જયંતીના પ્રસંગે જાહેર કર્યો હતો. સરકારના આ પગલાથી વિપક્ષ પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લેવામાં આવ્યો હોવાની શક્યતા છે, એવું એક સર્વેમાં બહાર આવ્યું છે.
આ સર્વેમાં 1300 લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા હતા. આ સર્વેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપીરને ભાજપે વિરોધ પક્ષો પાસેથી જાતીય રાજકારણનો મુદ્દો છીનવી લીધો છે? એના જવાબમાં 44 ટકા જનતાએ હા પાડી હતી, જ્યારે 35 ટકાએ નામાં જવાબ આપ્યો હતો. એ સિવાય 21 ટકાએ આ સવાલનો જવાબ નહોતો આપ્યો.
વિરોધ પક્ષો છેલ્લા કેટલાક સમયથી જાતીય જનગણનાની માગ કરી રહ્યો છે. એ સિવાય એ ભાજપ પર પછાતોનું સન્માન નહીં કરવાનો આરોપ પણ લગાવતો રહ્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષ થયેલી વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન સભાઓમાં જાતીય જનગણનાની માગ કરી હતી. આટલું જ નહીં, કેન્દ્રના આ દાવથી વિરોધ પક્ષોના ગઠબંધનને તૂટવાનું જોખમ છે. નીતીશકુમારના પલટી મારવાની સંભાવના વધી ગઈ છે. કર્પૂરી ઠાકુરને ભારતરત્ન આપવાની જાહેરાત પર બિહારના CMએ સરકારની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમની 100મી જયંતી પર આ સર્વોચ્ચ સન્માન દલિતો, વંચિતો અને ઉપેક્ષિત લોકોની વચ્ચે સકારાત્મક ભાવ પેદા કરશે. તેમણે વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.
,