નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શુક્રવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી ઝુંબેશ શરૂ કરતાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ભાજપ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધુ સીટો જીતશે અને સરકાર બનાવશે. પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની જનતાને પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા બનાવવાનું વચન પણ આપ્યું હતું. રાજ્યમાં ભાજપનો વ્યાપ વધ્યો છે. રાજ્યના લોકોએ લોકસભા ચૂંટણીમાં અમને આશીર્વાદ આપ્યા હતા અને ફરી વિધાનસભા ચૂંટણીમાં પણ લોકો અમને આશીર્વાદ આપશે, એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
પશ્ચિમ બંગાળ માટે કેન્દ્રના ફંડ પર શાહે મમતા સરકાર પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે હવે જો નાણાં મોકલવામાં આવશે તો એને ટીએમસીના કાર્યકર્તાઓ એ લૂટી લેશે. કેન્દ્રીય પ્રધાને ફરી એક વાર રાજ્યમાં બહુમતીથી ભાજપ સરકાર ચૂંટાશે એવો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું હતું કે આવતા વર્ષે બધું બદલાઈ જશે.
ગૃહપ્રધાને રાજ્યના લોકોને અપીલ કરી હતી કે તમે કોંગ્રેસસ કોમ્યુનિસ્ટો અને ટીએમસીને વહીવટ કરવાની તક આપી છે… તો નરેન્દ્ર મોદીના નેતૃત્વને પણ એક તક આપો. અમે પાંચ વર્ષમાં સોનાર બાંગ્લા બનાવીશું. અમારો ઉદ્દેશ પશ્ચિમ બંગાળનો વિકાસ કરવાનો છે.
શાહે બંગાળ સરકારની આલોચના કરતાં કહ્યું હતું કે 2010માં પશ્ચિમ બંગાળે મમતા બેનરજીને રાજ્યનો વહીવટ સોંપ્યો હતો, પણ 10 વર્ષમાં તેમનાં વચનો પોકળ સાબિત થયાં અને લોકોની આશા નિરાશામાં ફેરવાઈ ગઈ. તેમણે કહ્યું હતું કે મા, માટી અને માનુષનું સૂત્ર તુષ્ટિકરણ અને ટોળાબાજીમાં પરિવર્તિત થઈ ગઈ છે. જે અપેક્ષાઓ રાખવામાં આવી હતી, તૃણમૂલ સરકાર અને રાજ્યનાં મુખ્ય પ્રધાન એ અપેક્ષાએ ખર્યાં નથી ઊતર્યાં.
કોરોના વાઇરસ અને પૂર રાહત કાર્ય દરમ્યાન પણ તૃણમૂલ ભ્રષ્ટાચારથી દૂર નથી રહ્યો. તેમણે રાજ્યમાં ત્રણ કાનૂન બનાવ્યા, જેમાં એક ભત્રીજા (મમતા બેનરજીના), એક તેમની વોટ બેન્ક માટે અને એક સામાન્ય બંગાળી માટે, એમ તેમણે કહ્યું હતું.
રાજકીય કાર્યકર્તાઓની હત્યાઓની વાત કરીએ તો પશ્ચિમ બંગાળ દેશમાં સૌથી આગળ છે. છેલ્લા એક વર્ષમાં 100થી વધુ ભાજપના કાર્યકર્તાઓની હત્યા થઈ હતી, પણ હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.