નવી દિલ્હી- ‘બહુ થયો મોંઘવારીનો માર, અબ કી બાર મોદી સરકાર’ના નારા બાદ હવે 2019માં ભાજપ ‘ફરી એક વખત મોદી સરકાર’ના નારા સાથે મેદાનમાં ઉતરશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરીને હેશટેગના રૂપે આ સ્લોગન લખી એક વિડિયો પણ જાહેર કર્યો છે. આ વિડિયોમાં લોકોને અપીલ કરી છે કે, નમો એપ મારફતે પાંચ રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધી ડોનેટ કરો, જેથી મોદી સરકારને ફરી એક વખત સત્તા પર લાવી શકાય.
ભાજપના સુત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પ્રચાર શરુ થશે ત્યારે બીજેપી અન્ય સ્લોગનો પણ લાવશે, પરંતુ હાલ પાર્ટી આ સ્લોગનને જોરશોરથી આગળ વધારશે. આ નારા સાથે પાર્ટી લોકોને એવો સંદેશો આપવા માગે છે કે, જો ફરી એક વખત મોદી સરકારને સત્તા પર લાવવામાં આવશે તો, પાર્ટી વિકાસના કામોને આગળ વધારશે. અમિત શાહે વિડિયો શેર કર્યો છે તેમાં પણ નમો એપ પરથી પૈસા ડોનેટ કરીને મોદી સરકારને ફરી સત્તા પર લાવવા માટે અપીલ કરવામાં આવી રહી છે.
પાર્ટી સુત્રોનું કહેવું છે કે, હાલ જે નારો અમિત શાહે ટ્વિટ કર્યો છે તે ગત મહિને યુપીના બીજેપી નેતાઓની મળેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યો છે. યુપીમાં પાર્ટી આ સ્લોગન સાથે પ્રચાર કરી રહી છે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે, આ નારાને લોકો તરફથી સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે, જેથી આ સ્લોગનનો દેશના અન્ય રાજ્યોમાં પણ ઉપયોગ કરવામાં આવશે.