કુંભ મેળો 2019: શ્રદ્ધાળુઓ માટે ક્રૂઝની ખાસ સુવિધા, 4 ટર્મિનલ બનાવાયાં

નવી દિલ્હી- હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ ધરાવતો કુંભ મેળો શરુ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે દેશભરમાંથી અદ્યોરી સાધુઓ અલ્હાબાદ ભણી પ્રયાણ કરી રહ્યાં છે. આ વખતે કુંભ મેળામાં શ્રદ્ધાળુઓ માટે એક ખાસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભીડથી બચવા અને કુંભ મેળામાં પ્રવેશવા માટે યમુના નદીના પાંચ ઘાટ પર ટર્મિનલ બનાવવામાં આવ્યાં છે. જ્યાંથી લોકો ક્રૂઝની સવારી કરી સીધા મેળામાં પ્રવેશી શકશે. આ જાણકારી ગંગા રાષ્ટ્રીય જળમાર્ગ-1ની પરિયોજનાના નિર્દેશક પ્રવીર પાંડેએ આપી હતી.

પ્રવીર પાંડેએ વધુમાં કહ્યું કે, ભારતીય અંતર્દેશીય જળમાર્ગ ઓથોરિટીએ કિલા ઘાટ, સરસ્વતી ઘાટ, નૈની ઓલ્ડ બ્રિજ અને સુજાવન ઘાટ પર એક એક ફ્લોટિંગ ટર્મિનલ સ્થાપિત કર્યાં છે.

મેળા દરમિયાન સી.એલ.કસ્તૂરબા અને સી.એલ.કમલા ક્રુઝ યાત્રીઓની સેવામાં રહેશે. યાત્રીઓની સુવિધા માટે ચટનાગ, સિરસા, સીતામઢી, વિંધ્યાચલ અને ચુનારમાં પાંચ અસ્થાયી જેટી જહાજો સ્થાપિત કરવામાં આવ્યાં છે. આ જહાજોમાં સુરક્ષાને લઈને તમામ તકેદારી રાખવામાં આવી છે. અને બે મરજીવા પણ તૈનાત રહેશે. અત્યાર સુધી લોકોને મેળાના મુખ્ય ક્ષેત્રમાં પ્રવેશવા માટે ઘણા સુધી પગપાળા ચાલીને આવવું પડતું હતું. પરંતુ ક્રુઝ સેવા શરુ થવાથી લોકોને અને ખાસકરીને વૃદ્ધ લોકોને ઘણી મદદ મળશે.

ઓથોરિટી આગામી 1 જાન્યુઆરી એ આ ક્રુઝ જહાજોને જિલ્લા પ્રશાસન વિભાગને સોંપી દેશે. જિલ્લા પ્રશાસનના કર્મચારીઓને સંપૂર્ણ તાલીમ આપવામાં આવશે અને તે જ આ ક્રૂઝનું સંચાલન કરશે. આ ઉપરાંત સંચાલનમાં ઓથોરિટીના લોકો પણ સહયોગ કરશે. ક્રૂઝનું ભાડું જિલ્લા પ્રશાસન નક્કી કરશે.