નવી દિલ્હી- 2019ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપવાને લઈને ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે યોગગુરુ બાબા રામદેવ સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. અને ભાજપને ટેકો આપવા અમિત શાહ બાબા રામદેવને અપીલ કરશે. આ મુલાકાત દરમિયાન અમિત શાહ બાબા રામદેવને મોદી સરકારની સિદ્ધિઓ વિશે પણ જણાવશે. ઉલ્લેખનીય છે કે, બાબા રામદેવ ભાજપના સમર્થક રહ્યાં છે અને 2014ની ચૂંટણીમાં બાબા રામદેવે નરેન્દ્ર મોદી અને ભાજપને મત આપવા અપીલ કરી હતી.આપને જણાવી દઈએ કે, કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારને ચાર વર્ષ પુરા થવા પર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ગત 29 મેથી પાર્ટી સમર્થન સંપર્ક ઝુંબેશ શરુ કરી છે. આ ઝુંબેશ અંતર્ગત પાર્ટી અધ્યક્ષ દેશની 50 મોટી હસ્તીઓ સાથે મુલાકાત કરશે. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનો, રાજ્યના મુખ્યપ્રધાનો અને નાયબ મુખ્યપ્રધાનો સહિત પાર્ટીના 4000 જેટલા વરિષ્ઠ કાર્યકર્તાઓ મોદી સરકારની સિદ્ધિઓ વ્યક્ત કરવા માટે એક લાખથી પણ વધારે વિખ્યાત વ્યક્તિઓને મળશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા BJP અધ્યક્ષ અમિત શાહે ગુરુગ્રામ જઈને પૂર્વ સેનાધ્યક્ષ દલબિરસિંહ સુહાગ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારબાદ બંધારણ નિષ્ણાંત સુભાષ કશ્યપ સાથે તેમના નિવાસ સ્થાને મુલાકાત કરી હતી. આ સિવાય અમિત શાહે પૂર્વ ક્રિકેટ કેપ્ટન કપિલ દેવ સાથે મુલાકાત કરી હતી, તેમને નરેન્દ્ર મોદી સરકારની કામગીરીથી અવગત કર્યા હતા અને પક્ષને ટેકો આપવા અપીલ કરી હતી.