નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં અસમ અને પૂર્વોત્તરના કેટલાક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનને પગલે ભાજપ મુશ્કેલીમાં મૂકાઈ ગયો છે. જોકે પાર્ટીનું માનવું છે કે, આ વિવાદીત કાયદો લાગુ કરવાથી પાર્ટીને ફાયદો વધુ અને નુકસાન ઓછુ છે. ભાજપને આ મુદ્દે વિરોધનો અંદાજ પહેલાથી જ હતો, પણ આટલા મોટા પાયે વિરોધ થશે તેનો અંદાજ ન હતો.
પૂર્વોત્તરમાં ભાજપનું એકછત્ર રાજ છે. અસમમાં તેમની જ સરકાર છે. પૂર્વોત્તરના અન્ય રાજ્યોમાં પણ તેમની સરકાર છે અથવા તો કોઈ ક્ષેત્રિય પાર્ટીના જૂનિયર પાર્ટનર તરીકે બીજેપી સત્તામાં ભાગીદાર છે. પાર્ટી નેતાઓને લાગે છે કે, તે પરિસ્થિતિને કાબૂમાં રાખવાની સ્થિતિમાં છે અને વિરોધને અટકાવી દેશે પણ સાથે એ ચિંતા પણ છે કે, ખાસ કરીને અસમમાં રાજકીય દ્રષ્ટીએ જનઆક્રોશ મોંઘો ન પડી જાય.
લાંબા સમયથી બાંગ્લાદેશ તરફથી ગેરકાયદે ઘુસણખોરીની સમસ્યાથી ઝઝૂમી રહેલા અસમમાં હિન્દુઓની એકજૂથતાને કારણે ભાજપ 2016માં પ્રથમ વખત સત્તામાં આવી. અસમની અસ્મિતા અને મૂળ અસમી ઓળખની ચિંતાઓને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શન રાજકીય સમીકરણોને બદલાઈ શકે છે. જોકે, પશ્ચિમ બંગાળમાં સ્થિત જૂદી છે ત્યાં ભાજપને ફાયદાની આશા દેખાઈ રહી છે.
પશ્ચિમ બંગાળ ભાજપના અગ્રણીઓનો દાવો છે કે, રાજ્યમાં 2 કરોડ લોકો એવા છે જેમને નવા નાગરિકતા કાયદાથી ફાયદો થવાનો છે.
આસામના એક વરિષ્ઠ બીજેપી નેતાએ કહ્યું કે રાજ્યમાં ચાલી રહેલા વિરોધની પાછળ લોકોને દાયકાઓ જૂની એ ચિંતા છે કે ‘બહારના લોકો’ તેમનો હકક છીનવી લેશે. વર્તમાન સંકટ જલ્દીથી સમાપ્ત થાય તેવી આશા વ્યક્ત કરતા ભાજપના નેતાએ કહ્યું કે ‘કેટલીક ચિંતાઓ વાજબી પણ છે પણ રાજ્ય માટે, આનાથી સારો કાયદો કોઈ હોઈ શકે નહીં.