મોંઘવારીમાં લોકોને વધુ મારઃ આજથી મધર ડેરી, અમૂલનું દૂધ મોંઘું થયું

મુંબઈ – શાકભાજી, કઠોળ, મોબાઈલ ફોન એર ટાઈમ, વીજળી બિલ તો મોંઘાં થયા જ છે અને હવે એમાં ઉમેરો થયો છે દૂધનો. આજથી અમૂલ અને મધર ડેરીનાં દૂધનો વેચાણ ભાવ વધી ગયો છે. ઢોરોને આપવા પડતા ઘાસચારાની કિંમત તેમજ અન્ય ઉત્પાદન ખર્ચ વધી જવાથી આ બંને કંપનીએ પોતપોતાની બ્રાન્ડના દૂધની કિંમતમાં વધારો કરી દીધો છે, જે આજથી અમલમાં આવ્યો છે.

મધર ડેરીએ ગઈ કાલે એક નિવેદનમાં જણાવ્યું કે એનાં દૂધની કિંમતમાં 15 ડિસેંબરથી 3 રૂપિયાનો વધારો થશે.

ત્યારબાદ તરત જ અમૂલ બ્રાન્ડે પણ તેના દૂધની કિંમતમાં બે રૂપિયાનો વધારો જાહેર કરતું નિવેદન બહાર પાડ્યું હતું. એણે કહ્યું કે અમૂલ ગોલ્ડ દૂધનું અડધા લિટરનું પેકેટ હવે રૂ. 28 રૂપિયામાં પડશે જ્યારે અમૂલ તાઝા (અડધો લિટર)ના રૂ. 22 રૂપિયા થશે.

અમૂલ દૂધનો ભાવવધારો ગુજરાત ઉપરાંત મુંબઈ, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાં લાગુ થશે. અમૂલ શક્તિ દૂધના ભાવમાં કોઈ વધારો કરાયો નથી.