શું પક્ષ સંવિધાન બદલી શાહની ફરી તાજપોશી કરશે?

નવી દિલ્હી– મિશન 2019ની તૈયારીમાં વ્યસ્ત ભારતીય જનતા પાર્ટીનું બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશન દિલ્હીના રામલીલા મેદાનમાં ચાલી રહ્યું છે. રાષ્ટ્રીય અધિવેશનમાં ભાગ લેવા પાર્ટીના તમામ વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત છે. અમિતશાહનો કાર્યકાળ આ મહિને પૂર્ણ થવા જઈ રહ્યો છે, ત્યારે તેમને ત્રીજી વખત પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે પસંદ કરવાની કવાયત શરુ થઈ ગઈ છે.  જોકે, આમ કરવા માટે પાર્ટીએ તેના સંવિધાનમાં ફેરફાર કરવો પડશે.

અમિત શાહનો રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ ચાલુ મહિનાની 26 તારીખે પૂર્ણ થશે. 2014ની લોકસભા ચૂંટણી બાદ પાર્ટીની કમાન અમિત શાહના હાથમાં સૌપવામાં આવી હતી. અમિત શાહે રાજનાથ સિંહના અધૂરા કાર્યકાળને પૂર્ણ કર્યો હતો. ત્યાર બાદ પ્રથમ વખત 3 વર્ષના પૂર્ણ કાર્યકાળ માટે અમિત શાહને જાન્યુઆરી 2016માં ફરી પાર્ટીની કમાન સૌપવામાં આવી હતી.

એટલે કે રાજનાથ સિંહના કાર્યકાળના 2 વર્ષ અને ત્યાર બાદ 3 વર્ષનો પૂર્ણ કાર્યકાળ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે.

દિલચસ્પ વાત એ છે કે, ભાજપના સંવિધાન અનુસાર એક વ્યક્તિ બે વખત જ પૂર્ણ કાર્યકાળ માટે પાર્ટીનો અધ્યક્ષ બની શકે છે. સપ્ટેમ્બર 2018માં મળેલી પાર્ટીની કાર્યકારી બેઠકમાં તમામ સભ્યોએ સંકલ્પ લીધો હતો કે, પાર્ટીને 2014ની ચૂંટણી કરતા પણ મોટી જીત અપાવીને 2019માં ફરી સત્તા હાંસલ કરીશું. જેને લઈને અમિત શાહને લોકસભા ચૂંટણી સુધી અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે.

2019ની લોક સભા ચૂંટણી બાદ ભાજપ નક્કી કરશે કે પાર્ટીની કમાન કોના હાથમાં આપવી. આ સ્થિતિમાં જો ફરી વખત અમિત શાહને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવશે તો ભાજપે તેના પાર્ટી સંવિધાનને બદલવું પડશે.

ભાજપના પાર્ટી સંવિધાન અનુસાર પાર્ટીનો રાષ્ટ્રીય અધ્યક્ષ એ જ વ્યક્તિ બની શકે છે, જે ઓછામાં ઓછા 15 વર્ષ સુધી પાર્ટીનો સભ્ય રહ્યો હોય. આ ઉપરાંત ભાજપમાં રાષ્ટ્રીય અધ્યક્ષની પસંદગી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. જેમાં રાષ્ટ્રીય પરિષદના સભ્યો અને પ્રદેશ પરિષદોના સભ્યો શામિલ હોય છે.