લખનઉ- આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર આજે 21 જૂને સમગ્ર વિશ્વ યોગના વિવિધ આયોજનો કરી રહ્યું છે. જમીનથી લઈને આકાશ અને જળ દરેક જગ્યાઓ પર યોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ કડવું સત્ય એ પણ છે કે, વિશ્વને યોગનું જ્ઞાન આપનારા મહર્ષિ પતંજલિનું ગામ ‘વિકાસ’થી વંચિત રહ્યું છે. ઉત્તરપ્રદેશના અયોધ્યાથી ફક્ત 22 કિલોમીટર દૂર કોડર ગામમાં પતંજલિ આશ્રમ આવેલો છે. આ ગામ ગોંડા જિલ્લામાં આવે છે.યોગ સૂત્ર અને મહાભાષ્યની રચના કરનારા મહર્ષિ પતંજલિનું ગામ આજે પણ વિકાસથી વંચિત રહ્યું છે. અહીં મહર્ષિ પતંજલિના જન્મસ્થળની ઓળખ એટલી જ છે કે, તેમના નામથી માત્ર એક ચબૂતરો જ બનેલો છે. આ ચબૂતરો પણ શ્રી પતંજલિ જન્મભૂમિ ન્યાસના અધ્યક્ષ ડૉ. ભગવદાચાર્યના પ્રયાસો દ્વારા બનાવવામાં આવ્યો છે. તેની પાસે જ કોડર તળાવ વહે છે. જે નવ કિલોમીટરના વિસ્તરમાં ફેલાયેલું છે, પરંતુ તે તણાવ પણ પોતાના ઉદ્ધારની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.
કોડર ગામની વસ્તી આશરે પાંચ હજાર છે. અહીં માત્ર પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ જ આવેલી છે. અહીં કોઈ કોલેજ નથી અને કોઈ હોસ્પિટલ પણ નથી. અહીં મૂળભૂત સગવડતાઓના અભાવ વચ્ચે એવી કોઈ જ વ્યવસ્થા નથી કે જેના દ્વારા મહર્ષિ પતંજલિ વિશે લોકોને માહિતી આપી શકાય. કોડર જવાનો માર્ગ પણ ખરાબ છે.
મહર્ષિ પતંજલિના જન્મસ્થળ કોડર ગામની ઉપેક્ષાથી વ્યથિત થયેલા ડૉ. ભગવદાચાર્ય જણાવે છે કે, યોગ દિવસના અનુસંધાને વડાપ્રધાન અને રાજ્યના મુખ્યપ્રધાન જો કોડર આવે તો મહર્ષિ પતંજલિના જન્મસ્થળ પર સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રીત થશે. ડૉ. ભગવદાચાર્યના જણાવ્યા મુજબ અહીં આંતરરાષ્ટ્રીય યોગ વિશ્વ વિદ્યાલયની સ્થાપના કરવાની માગણી ફાઈલોમાં ધૂળ ખાઈ રહી છે. તેમનું કહેવું છે કે, કોડરને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવે જેથી અહીંના લોકોને પણ સુવિધા અને વિકાસનો લાભ મળી શકે.
કોડરના સ્થાનિક નાગરિકોનું કહેવું છે કે, વિશ્વના 170થી વધુ દેશોમાં યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તે ભારત માટે ગૌરવની વાત છે. પરંતુ દુ:ખની વાત એ છે કે, જેમણે વિશ્વને યોગનું જ્ઞાન આપ્યું છે તેમનું જન્મસ્થળ અને ગામ સુવિધાઓથી વંચિત છે.