બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં રીવ્યૂ અરજી નોંધાવી

નવી દિલ્હીઃ 2002માં ગોધરાકાંડ બાદના કોમી રમખાણો વખતે પોતાની પર સામુહિક બળાત્કાર કરનાર અને પરિવારના સભ્યોની હત્યા કરનાર 11 અપરાધીઓને જેલમાંથી વહેલા છોડી મૂકવાના નિર્ણયને બિલ્કીસ બાનોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. એણે સુપ્રીમ કોર્ટે ગયા મે મહિનામાં આપેલા ચુકાદા સામે રીવ્યૂ પીટિશન નોંધાવી છે. મે મહિનાના ઓર્ડરમાં સુપ્રીમ કોર્ટે 1992ની જેલમુક્તિ નીતિ લાગુ કરવાની ગુજરાત સરકારને છૂટ આપી હતી.

બિલ્કીસ બાનોનાં વકીલે લિસ્ટિંગ માટે દેશના વડા ન્યાયમૂર્તિ ડી.વાઈ. ચંદ્રચૂડ સમક્ષ રજૂઆત કરી હતી. વડા ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે કહ્યું કે પોતે આ મામલાનો અભ્યાસ કરશે અને પછી નક્કી કરશે કે બંને અરજીઓને સાથે સાંભળી શકાય એમ છે કે નહીં.