મધ્ય-રેલવે 2023-માર્ચ સુધીમાં પાટાના કિનારે 50,000 રોપા વાવશે

મુંબઈઃ મધ્ય રેલવેના મુંબઈ ડિવિઝને 2023ના માર્ચ સુધીમાં સમગ્ર ઉપનગરીય નેટવર્કના પાટાના કિનારે આશરે 50,000 રોપા વાવવાનું નક્કી કર્યું છે. આ ઝુંબેશ મધ્ય રેલવેના પર્યાવરણ અને હાઉસકીપિંગ મેનેજમેન્ટ વિભાગે હાથ ધરેલી હરિયાળી નિર્માણ પહેલને અંતર્ગત છે.

આમ કરીને મધ્ય રેલવેનું મુંબઈ ડિવિઝન પાટાઓનું સુશોભીકરણ કરશે. એ માટે પાટાઓની બાજુ પરના સમગ્ર ભાગને સ્વચ્છ કરવામાં આવશે, પાટાની બાજુમાં વનસ્પતિ ઉગાડવાનું બંધ કરાવશે, સૂકું ઘાસ અને કાદવ-કીચડને દૂર કરાવશે. તે પછી નવા રોપા વાવશે અને તેને નિયમિત રીતે પાણી આપવાનું કાર્ય કરાવાશે. મેન લાઈન પર, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (સીએસએમટી) અને ભાયખલા સ્ટેશનો વચ્ચે અને હાર્બર લાઈન પર સીએસએમટી-વડાલા વચ્ચે પાટાના કિનારે રોપા વાવવાનું કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે. ઈગતપુરી અને લોનાવલાના ઘાટ વિભાગમાં 17,000 રોપાઓની વાવણી કરવામાં આવશે.

(તસવીર સૌજન્યઃ @drmmumbaicr)