ધર્મ પરિવર્તન કર્યા બાદ નહીં મળે અનામતનો લાભઃસુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે હિન્દુ ધર્મમાં અનુસૂચિત જાતિ (SC) અથવા પછાત વર્ગ સાથે સંબંધ ધરાવતી વ્યક્તિ અન્ય ધર્મ અપનાવ્યા બાદ એ જ આધાર પર અનામતનો લાભ મેળવવાનો દાવો કરી શકે નહીં. કોર્ટના જણાવ્યાનુસાર હિન્દુ સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિની સામાજિક પછાતપણા સાથે જોડાયેલી સ્થિતિ અન્ય ધર્મ અપનાવ્યા બાદ તે ધર્મની સામાજિક વ્યવસ્થામાં આપમેળે લાગુ પડતી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે. હાઈકોર્ટે તામિલનાડુ સરકારના એ નિર્ણયને રદ કર્યો હતો, જેમાં ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બનેલા લોકોને અનામતનો લાભ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તામિલનાડુ સરકારને આંચકો

સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારની અરજી પણ ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું હતું કે માત્ર ઇસ્લામ અપનાવવાથી કોઈ વ્યક્તિ રાજ્ય દ્વારા નિર્ધારિત પછાત મુસ્લિમ સમુદાયોમાં સામેલ થઈ જતી નથી. અગાઉની જાતિ અથવા સમુદાયને આધારે નવા ધર્મમાં અનામતનો લાભ આપમેળે મળી શકે નહીં. કોર્ટે વધુમાં કહ્યું હતું કે અનુસૂચિત જાતિનો દરજ્જો પણ બંધારણમાં નિર્ધારિત ધર્મ સંબંધિત નિયમો અનુસાર જ મળશે.

માર્ચ, 2024માં તામિલનાડુ સરકારે જાહેર કર્યો હતો આદેશ

તામિલનાડુ સરકારે માર્ચ, 2024માં એક આદેશ જાહેર કર્યો હતો. આ અંતર્ગત પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, કેટલાક સૂચિત સમુદાયો અને અનુસૂચિત જાતિમાંથી ઇસ્લામ અપનાવનારા લોકોને પછાત મુસ્લિમ વર્ગ હેઠળ પ્રમાણપત્ર આપીને અનામતનો લાભ આપવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. મદ્રાસ હાઈકોર્ટે આ આદેશને રદ કર્યો હતો. હવે સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો છે.

હાઈકોર્ટે તામિલનાડુ સરકારની સૂચના રદ કરી હતી

ન્યાયમૂર્તિ પ્રશાંત કુમાર મિશ્રા અને ન્યાયમૂર્તિ ચંદ્રશેખરની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના આદેશ વિરુદ્ધ તામિલનાડુ સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી હતી.હાઈકોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ઇસ્લામ અપનાવનાર કોઈ વ્યક્તિ માત્ર ધર્મ પરિવર્તનને આધારે ‘પછાત વર્ગ (મુસ્લિમ)’ શ્રેણી હેઠળ અનામતનો દાવો કરી શકે નહીં. સુપ્રીમ કોર્ટે તામિલનાડુ સરકારની એ સૂચનાને રદ કરતા હાઈકોર્ટના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો, જેમાં ધર્મ પરિવર્તન કરનારા મુસ્લિમોને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે આ મામલે હસ્તક્ષેપ કરવાની કોઈ જરૂર નથી.