ઈલેક્ટ્રિક વાહન ખરીદતા પૂર્વે અહીં ધ્યાન આપો; 1 જૂનથી ઈવી થશે મોંઘા

મુંબઈઃ કેન્દ્ર સરકારની ‘મેક ઈન ઈન્ડિયા’ યોજના અંતર્ગત ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવામાં આવે છે. પેટ્રોલ, ડિઝલ મોંઘું થતાં ગ્રાહકો ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી તરફ વળી રહ્યાં છે. ઈલેક્ટ્રિક વાહનો પર સરકાર ઉત્પાદક કંપનીઓને સબસિડી આપે છે. પરિણામે ગ્રાહકોને આ વાહનો થોડાક સસ્તા પડે છે. પરંતુ, આવતી 1 જૂનથી કેન્દ્ર સરકારે ઈલેક્ટ્રિક વાહનો માટે આપવામાં આવતી FAME (ફાસ્ટર એડોપ્શન એન્ડ મેન્યૂફેક્ચરિંગ ઓફ ઈલેક્ટ્રિક વેહિકલ્સ) સબસિડી ઘટાડવાનું નક્કી કર્યું છે.

આને કારણે ઈલેક્ટ્રિક વાહનો રૂ. 25,000થી લઈને રૂ. 30,000 જેટલા મોંઘા થવાની ધારણા છે. તેથી જો તમે ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલર સ્કૂટર કે બાઈક ખરીદવાનો વિચાર કરતા હો તો 1 જૂન, 2023 પહેલા જ તે ખરીદી લેજો. કારણ કે 1 જૂન પછી આ વાહનોની કિંમત વધી જવાની છે.

કેન્દ્રના હેવી ઈન્ડસ્ટ્રીઝ મંત્રાલયે જાહેરાત કરી છે કે ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ માટેની FAME-2 સબસિડી રૂ. 15,000થી ઘટાડી રૂ.10,000 પ્રતિ કિલોવોટ-કલાક કરી નાખવામાં આવશે. તે ઉપરાંત, વાહનોની એક્સ-ફેક્ટરી કિંમત પરની મહત્તમ સબસિડીને 40%થી ઘટાડીને 15% કરવામાં આવશે.