ક્રિકેટ બોર્ડે છેલ્લા પાંચ વર્ષમાં રૂ.4,298 કરોડનો આવકવેરો ચૂકવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રના નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન પંકજ ચૌધરીએ રાજ્યસભામાં જણાવ્યું કે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા પેટે રૂ. 4,298 કરોડની માતબર રકમની ચૂકવણી કરી છે. ઘણા લોકોમાં સામાન્યપણે એવી છાપ છે કે સરકાર તરફથી ક્રિકેટ બોર્ડને કરમાફીની વિશેષ સવલત આપવામાં આવે છે, પરંતુ એ વાત સાચી નથી. એનાથી વિપરીત, ક્રિકેટ બોર્ડ નિયમિત રીતે એની ઈન્કમ ટેક્સ ચૂકવણીની જવાબદારીને નિભાવતું રહ્યું છે.

શિવસેનાના સભ્ય અનિલ દેસાઈએ પૂછેલા સવાલના જવાબમાં પ્રધાન ચૌધરીએ કહ્યું, ક્રિકેટ બોર્ડે છેલ્લા પાંચ વર્ષમાં આવકવેરા પેટે કુલ રૂ. 4,298 કરોડ ચૂકવ્યા છે. એમાં 2020-21માં રૂ. 844 કરોડ, 2019-20માં રૂ. 882 કરોડ, 2018-19માં રૂ. 815 કરોડ, 2017-18માં રૂ. 596 કરોડ ચૂકવ્યા હતા. એકદમ તાજેતરના નાણાકીય વર્ષમાં તો એણે રૂ. 1,159 કરોડ ચૂકવ્યા હતા. 2021-22ના વર્ષમાં ક્રિકેટ બોર્ડે તેની આવકમાં રૂ. 4,542 કરોડની પૂરાંત નોંધાવી હતી.