કાનપુરઃ આવકવેરા વિભાગે કાનપુરની એક તંબાકુ કંપનીમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં મળેલા માલસામાન જોઈને આંખો પહોળી થઈ જશે. IT વિભાગે કાનપુર સ્થિત બંસીધર તંબાકુ કંપની કેટલાંય સ્થળો પર દરોડા પાડ્યા હતા. કાનપુર સહિત પાંચ રાજ્યોમાં 15થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નયાગંજ સ્થિત બંસીધર એક્સપોર્ટ અને બંસીધર તંબાકુને ત્યાં આવકવેરા વિભાગની કાર્યવાહી હજી પણ જારી છે.
IT વિભાગે પાડેલા દરોડામાં રૂ. 60 કરોડથી વધુની કિંમતની લક્ઝરી કારો મળી છે. આ કારો દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાખી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ છે, જેની કિંમત રૂ. 16 કરોડ છે. કંપનીના માલિક કે. કે. મિશ્રાના પુત્રના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની અને ફરારી જેવી કારો મળી છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. વિભાગે આ સાથે દરોડામાં કુલ રૂ. 4.5 કરોડની રોકડ પણ જપ્ત કરી છે. આ સાથે વિભાગે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
વિભાગ કંપનીના અન્ય મોટા પાન-મસાલાનાં ઉત્પાદકોને પણ સપ્લાય કરી રહી છે. કંપનીનું ટર્નઓવર રૂ. 20-25 કરોડ બતાવી રહી છે, પણ વાસ્તવમાં કંપનીનું ટર્નઓવર રૂ. 100-150 કરોડની આસપાસ હોવાની શક્યતા છે.
કંપની મોટા પાયે GSTના નિયમોનું ઉલ્લંઘન કરતી હતી અને કરચોરી કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કંપની અન્ય કંપનીઓને પણ કાચો માલ પૂરો પાડતી હતી.