નવી દિલ્હીઃ ગઈ બીજી ઓક્ટોબરે, મહાત્મા ગાંધીજીની 150મી જયંતિ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરવા કહ્યું હતું. પ્લાસ્ટિકના ઉપયોગથી શરીરને કેટલું નુકસાન થાય છે તે પણ જણાવ્યું હતું. ત્યારથી આ બાબતથી લોકોને જાગરૂક કરવાનું કાર્ય તમામ મિડિયા તેમજ સમાજસેવી સંસ્થાઓએ આદર્યું છે. પ્લાસ્ટિકનો પર્યાય પણ શોધાવા લાગ્યો છે.
ખાદી ગ્રામોદ્યોગે બાંબુની બોટલો બનાવી છે. કેન્દ્રીય માર્ગ પ્રધાન નિતિન ગડકરીએ 2 ઓક્ટોબરે ગાંધી જયંતિ નિમિત્તે આ બોટલ લોન્ચ કરી હતી. જે અનુક્રમે 750 મિ.લી.થી લઈને 1 લીટર સુધીની ક્ષમતાની છે. એક લીટર બોટલની કિંમત રૂ.560 જેટલી છે. ખાદી ભંડારમાં આ બોટલોનું વેચાણ થશે.
ખાદી ગ્રામોદ્યોગના અધ્યક્ષ વિનય કુમાર સક્સેનાના જણાવ્યા પ્રમાણે, ‘આ બોટલ બનાવવા માટે વપરાતા બાંબુ ત્રિપુરાના જંગલમાંથી લાવવામાં આવે છે. બાંબુમાંથી બનેલી આ બોટલ દીર્ઘ સમય સુધી સારી રહે છે, બગડતી નથી. તેમજ તેમાંનું પાણી નૈસર્ગિક સ્થિતિમાં રહે છે અને આરોગ્ય માટે પણ ગુણકારી છે.’