અમદાવાદ- ભારતીય સિનેજગતમાં સફળતાનો નવો અધ્યાય રચનારી ફિલ્મ ‘બાહુબલી-2’ને હવે IIMના અભ્યાસક્રમમાં ભણાવવામાં આવશે. IIM અમદાવાદે ‘બાહુબલી-2’ને અભ્યાસક્રમમાં સમાવેશ કરવાનો નિર્ણય કર્યો છે. બાહુબલી ફિલ્મનો અભ્યાસ કરીને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના વિદ્યાર્થીઓ એ જાણવા પ્રયાસ કરશે કે, ફિલ્મની સિક્વલ બિઝનેસની દુનિયામાં સફળતાનો ઈતિહાસ કેવી રીતે બનાવે છે.
આપને જણાવી દઈએ કે, ‘બાહુબલી-2’ એપ્રિલ 28, 2017ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મે તેના રિલીઝના પહેલા જ દિવસે રુપિયા 100 કરોડથી વધુનો વ્યવસાય કર્યો હતો. પહેલા સપ્તાહમાં 300 કરોડ અને કુલ 1800 કરોડનો બિઝનેસ કર્યો હતો.
એક અંગ્રેજી અખબારે IIMના હવાલેથી માહિતી આપી છે કે, આ ફિલ્મમાં મુખ્યરુપે સિક્વલ ઉપર વધુ ભાર મુકવામાં આવ્યો હતો. અને એ મેસેજ આપવામાં આવ્યો છે કે, સિક્વલના માધ્યમથી પણ સિનેમા વધુ વ્યવસાય કરી શકે છે. આ મોર્કેટિંગ કોન્સેપ્ટ કેવીરીતે સફળ પુરવાર થાય છે તે જાણવા માટે ‘બાહુબલી-2’નો કેસ સ્ટડી કરવા તેનો IIMના અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યાર સુધી માર્કેટિંગની સામાન્ય સમજ એવી રહી છે કે, પ્રિ-સિક્વલ હંમેશા સિક્વલ કરતાં વધુ સારી હોય છે. પછી તે દર્શકોની પસંદ હોય કે બોક્સઓફિસ કલેક્શન હોય. પરંતુ ‘બાહુબલી-2’એ દરેક માન્યતાને ખોટી સાબિત કરી છે અને દર્શકોની પસંદ તેમજ બોક્સઓફિસ કલેક્શનમાં વધુ ચડિયાતી પુરવાર થઈ હતી. ફિલ્મનું કુલ કલેક્શન રુપિયા 1800 કરોડથી પણ વધુ થયું હતું. ઉલ્લેખનીય છે કે, નિર્માતા એસ. એસ. રાજામૌલીએ બાહુબલી સીરિઝ રુપિયા 150 કરોડના ખર્ચે તૈયાર કરી હતી.