કેન્દ્ર સરકારે વાર્ષિક હજયાત્રા માટે સબ્સિડી આપવાનું આ જ વર્ષથી બંધ કરી દીધું

નવી દિલ્હી – મુસ્લિમ યાત્રાળુઓને આ વર્ષથી હજ માટે સબ્સિડી (આર્થિક રાહત) આપવામાં નહીં આવે. કેન્દ્રના લઘુમતી બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ જણાવ્યું છે કે, આ વર્ષથી હજ યાત્રા માટેની સબ્સિડીનો અંત આવી ગયો છે.

નક્વીએ વધુમાં કહ્યું કે, આ વર્ષે 1.75 લાખ મુસ્લિમો હજની યાત્રા પર જશે. આ આંકડો અત્યાર સુધીનો સૌથી વધુ છે. સબ્સિડી દૂર થવા છતાં યાત્રાળુઓ માટે હજયાત્રાનો ખર્ચ વધશે નહીં.

નક્વીએ કહ્યું કે, હજ માટેની સબ્સિડી આપવાનું બંધ થવાથી જે નાણાં બચશે એનો ઉપયોગ લઘુમતી સમુદાયોના લોકો, ખાસ કરીને કન્યાઓનાં શિક્ષણ માટે કરવામાં આવશે. હજ સબ્સિડી ફંડનો ઉપયોગ લઘુમતી સમુદાયની છોકરીઓ તથા મહિલાઓનાં શૈક્ષણિક સશક્તિકરણ માટે કરવામાં આવશે.

કેન્દ્ર સરકારની હજ નીતિની સમીક્ષા કરવા તથા 2018-22 માટે નવી હજ નીતિ ઘડવા તથા એ માટેના સૂચનો આપવા માટે લઘુમતીઓની બાબતોના મંત્રાલયે ગયા વર્ષે એક સમિતિની રચના કરી હતી.

નિવૃત્ત સનદી અધિકારી અફઝલ અમાનુલ્લાહ ખાનની આગેવાની હેઠળની એ સમિતિમાં દેશના નામાંકિત મુસ્લિમોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સમિતિએ સરકારને ભલામણ કરી હતી કે હજ સબ્સિડી નાબૂદ કરવી જોઈએ અને 45 વર્ષથી વધુની વયની મહિલાઓને મેહરામ (પુરુષ વાલી) વિના હજની યાત્રા પર જવા દેવી જોઈએ. સરકારે એ સમિતિએ કરેલી ભલામણોનો સ્વીકાર કરી લીધો છે.

નક્વીએ ત્યારે એમ કહ્યું હતું કે, 2012માં કોંગ્રેસના શાસન વખતે સુપ્રીમ કોર્ટની એક બંધારણીય બેન્ચે એવો આદેશ આપ્યો હતો કે હજ સબ્સિડી આપવાનું બંધ કરવું જોઈએ.

નક્વીએ કહ્યું કે સબ્સિડી આપવા પાછળ સરકારને રૂ. 500-700 કરોડનો ખર્ચ થતો હતો. એર ઈન્ડિયા તેના વિમાનો દ્વારા હજ યાત્રાળુઓને જેદ્દાહ લઈ જતી હતી. એ માટે તેણે સાઉદી એરલાઈન્સ સાથે સમજૂતી કરી હતી.