દિલ્હી પ્રદૂષણને કંટ્રોલ કરશે જાપાન, કેજરીવાલ સરકારે કર્યો કરાર

નવી દિલ્હી- દિલ્હીમાં દિવસે-દિવસે વધુ ગંભીર બની રહેલી વાયુ પ્રદૂષણની સમસ્યાથી છુટકારો મેળવવા હવે રાજ્ય સરકારે જાપાન સાથે કરાર કર્યા છે. જે દિલ્હીને વાયુ પ્રદૂષણની સમસ્યાથી મુક્ત કરશે.

જાપાનની ફુકુઓકા પ્રાંતની સરકાર ભારતની રાજધાની દિલ્હીને વાયુ પ્રદૂષણ અને ખરાબ પર્યાવરણની સમસ્યાથી મુક્ત કરશે. આ સંદર્ભમાં દિલ્હીની રાજ્ય સરકારે ગતરોજ ફુકુઓકા પ્રાંતની સરકાર સાથે કરાર કર્યા છે. વાયુ પ્રદૂષણથી દિલ્હીને મુક્ત કરવા ઉપરાંત સાંસ્કૃતિક, પર્યટન, ઐતિહાસિક સ્મારકો અને શિક્ષણ જેવા અન્ય ક્ષેત્રોમાં પણ સહયોગ માટે જાપાન સાથે કરાર કરવામાં આવ્યા છે.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જાપાન સાથે કરાર કર્યા બાદ જણાવ્યું કે, ખરાબ પર્યાવરણ એ દિલ્હીની મુખ્ય સમસ્યા છે. આશા રાખીએ કે, જાપાન સાથે કરાર કર્યા બાદ દિલ્હીને સ્વચ્છ પર્યાવરણ મળશે અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો શક્ય બનશે. આ અંગે કેજરીવાલે ટ્વીટ પણ કર્યું હતું.

દિલ્હી અને જાપાન વચ્ચે કરવામાં આવેલા કરાર મુજબ જાપાન તરફથી ટેકનિકલ માર્ગદર્શન, સ્ટડી ટૂર અને પરસ્પર સહયોગ માટે વર્કશોપનું પણ આયોજન કરવામાં આવશે. સાથે જ એમ પણ જણાવવામાં આવ્યું છે કે, આ માટે દિલ્હી અને જાપાન એમ બન્ને પક્ષ તરફથી જોઈન્ટ એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે. આ કરાર ત્રણ વર્ષ માટે કરવામાં આવ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]