બદરીનાથ ધામનાં દ્વાર શ્રદ્ધાળુઓ માટે ખુલ્લા મૂકાયા

બદરીનાથઃ યાત્રાધામ બદરીનાથ ધામનાં કપાટ બ્રહ્મ મુહૂર્તમાં સવારે 4.30 કલાકે સંપૂર્ણ પૂજા-વિધિ સાથે ખોલવામાં આવ્યાં હતાં. બદરીનાથ ધામમાં પહેલી પૂજા-વિષ્ણુ સહસ્રનામ પાઠ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નામથી કરવામાં આવશે. દેશને કોરોનાથી જલદી મુક્તિ મળે એવી પ્રાર્થના કરવામાં આવી હતી. લોકડાઉનને પગલે મંદિરમાં ગણ્યાગાંઠ્યા લોકો હતા. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે કહ્યું હતું કે ચારધામોના કપાટ ખૂલી ગયાં છે અને ટૂંક સમયમાં ચારધામની યાત્રા શરૂ થશે.

મંદિરના પ્રાંગણને સેનિટાઇઝર કરવામાં આવ્યું

બદરીનાથમાં કપાટ ખૂલવાના સમયે મુખ્ય પૂજારી રાવલ, ધાર્માધિકારી ભુવન ચંદ્ર ઉનિયાલ, રાજગુરુ સહિત માત્ર ઓછા લોકો જ પૂજામાં સામેલ થઈ શક્યા હતા. આ દરમ્યાન માસ્કની સાથે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવામાં આવ્યું હતું.આ પૂર્વે મંદિરના પ્રાંગણને સેનિટાઇઝર કરવામાં આવ્યું હતું. કપાટ ખૂલતાં પૂર્વે ગર્ભ ગૃહથી માતા લક્ષ્મીને લક્ષ્મી મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા. કુબેરજી અને ઉદ્ધવજીની ચલ વિગ્રહ મૂર્તિને ગર્ભ ગૃહમાં સ્થાપિત કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર નહીં

કોરોના રોગચાળાને લીધે બદરીનાથજીના સિંહ દ્વાર પર સંસ્કૃત વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા મંત્રોચ્ચાર અને સ્વસ્તીવાચન પણ ના થયું. આ ઉપરાંત ભારતી સેના ગઢવાલ સ્કાઉટના બેન્ડવાજાં અન  ભક્તોના જયઘોષ પણ બદરીનાથ ધામથી ગાયબ છે.

ચારધામ યાત્રાનો વિધિવત્ પ્રારંભ

ઉત્તરાખંડમાં સ્થિત ચારધામ- ગંગોત્રી-યમનોત્રી અને કેદારનાથ પછી શુક્રવારે ચારધામનું ચોથું ચરણ બદરીનાથનાં કપાટ ખૂલી ગયાં છે. બદરીનાથના કપાટ ખૂલતાં જ ચારધામ યાત્રાનો વિધિવત્ પ્રારંભ થઈ ગયો છે, જેને આ ભૂલોકનું આઠમું વૈકુંઠ ધામ પણ કહેવામાં આવે છે, જ્યાં ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે.

આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે

ભગવાન બદરીનાથના શુક્રવારના દર્શનોમાં મુખ્યત્વે અખંડ જ્યોતિ અને ભગવાન બદરીનાથના નિર્વાણ દર્શન થાય છે. આ દર્શન કરવાનું મુખ્ય મહત્ત્વ હોય છે. શુક્રવારે આખો દિવસ મંદિર ખુલ્લું રહેશે, પણ સવારે શ્રદ્ધાળુઓની પાંખી હાજરી હતી, કેમ કે લોકડાઉન ચાલી રહ્યું છે.

સવારે કપાટ ખૂલતાં જ ભગવાન બદરી વિશાળની મૂર્તિથી ઘૃત કાંબળાને હટાવવામાં આવ્યો હતો.એની સાથે ભગવાન બદરીનાથનાં દર્શન શરૂ થઈ ગયાં છે.  બદરીનાથ ધામ બંધ થવાના સમયગાળામાં છ મહિના અખંડ જ્યોતિનાં દર્શન કરવામાં આવે છે. શ્રદ્ધાળુઓને સૌથી પહેલાં અખંડ જ્યોતિનાં દર્શન કરાવવામાં આવે છે.

 ગુરુવારે તૈયારી કરવામાં આવી

ગઈ કાલે જ આધિ શંકરાચાર્યની ગાદીની સાથે રાવલજી, ઉદ્ધવજી, કુબેરજી અને ગાડુ ઘડા (તેલ કળશ) યોગ ધ્યાન બદરી મંદિર પાંડુકેશ્વરના બદરીનાથ ધામ પહોંચ્યા હતા. મંદિરના કપાટ ખોલવાની તમામ તૈયારી ગઈ કાલે પૂરી કરી લેવામાં આવી હતી.

 પાછલા વર્ષે કપાટ ખૂલ્યા પછી આશરે 10,000 શ્રદ્ધાળુઓએ મંદિરના દર્શન કર્યા હતા. ગઈ કાલે મંદિર અને આસપાસના વિસ્તારને ફૂલોથી સજાવવામાં આવ્યાં હતાં.