બાબા રામદેવનો U-ટર્નઃ રસી લગાવશે, ડોક્ટરોને ‘દેવદૂત’ ગણાવ્યા

નવી દિલ્હીઃ એલોપથી વિરુદ્ધ આયુર્વેદના જંગની વચ્ચે બાબા રામદેવ ફરી એક વાર ચર્ચામાં છે. યોગગુરુએ કહ્યું હતું કે તેઓ હવે કોરોનાની રસી લેવા માટે તૈયાર છે. તેમણે ડોક્ટરોને પૃથ્વી પર ભગવાનના દૂત- ‘દેવદૂત’ પણ ગણાવ્યા હતા. બાબા રામદેવે કોરોના સંક્રમણ પર એલોપથી દવાની સાઇડ ઈફેક્ટને લઈને વિવાદિત નિવેદનો કર્યાં હતાં. જેને લીધે વિવાદ શરૂ થયો હતો, જેથી મેડિકલ ક્ષેત્રના લોકો બાબા રામદેવથી નારાજ હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 21 જૂનથી બધાને મફત કોરોનાની રસી લાગશે તો સ્વામી રામદેવે મોદીના પગલાનું સ્વાગત કરતાં કહ્યું હતું કે એ એકદમ યોગ્ય પગલું છે. બધાને કોરોનાની રસી લાગવી જોઈએ. ઉત્તરાખંડના હરિદ્વારમાં મિડિયાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે કોરોનાની રસીના બે ડોઝ લાગ્યા પછી યોગ અને આયુર્વેદથી ડબલ પ્રોટેક્શનનો લાભ મળશે. જેથી કોરોનાથી એક પણ વ્યક્તિનું મોત નહીં થાય, એમ બાબા રામદેવ કહે છે.

તેમને જ્યારે એ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે ક્યારે રસી લગાવશો?  એના જવાબમાં તેમણે કહ્યું હતું કે બહુ જલદી. બાબા રામદેવે એલોપથિક ડોક્ટરોની પ્રશંસા કરતાં તેમણે દેવદૂત ગણાવ્યા હતા. ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન (IMA)ની સાથે ચાલી રહેલા ઘર્ષણ પર તેમણે કહ્યું હતું કે તેમની કોઈ પણ સંસ્થા સાથે દુશ્મની ના હોઈ શકે. તેઓ દવાઓને નામે લોકોના શોષણની વિરુદ્ધ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ઇમર્જન્સી ટ્રીટમેન્ટ અને સર્જરી માટે એલોપથી સૌથી શ્રેષ્ઠ છે, એમાં કોઈ બેમત નથી. હું કોઈ સંસ્થાની સામે નથી. સારા ડોક્ટરો એક વાસ્તવિક વરદાન છે, પણ વ્યક્તિગત ડોક્ટર્સ ખોટું કામ કરે છે.