ડીએમ પાસે માયાવતીના ચંપલ સાફ કરાવવા માગતાં હતાં આઝમ ખાન, હવે પડી રહ્યું છે ભારે…

લખનઉઃ સતત લાઈમ લાઈટમાં રહેનારા આઝામ ખાન હવે ભૂમાફિયા બની ગયા છે. જૌહર વિશ્વવિદ્યાલય માટે ત્રણ ખેડૂતોની જમીન પર કબજો કરવાના આરોપમાં ફસાયેલા આઝમ ખાનને પ્રશાસને ભૂમાફિયા જાહેર કરી દીધાં છે. તેમના વિરુદ્ધ 10 દિવસમાં 23 મામલા નોંધવામાં આવ્યાં છે. તો આઝમ ખાને આ મામલે કહ્યું કે તેમના વિરુદ્ધ બદલાની રાજનીતિ થઈ રહી છે અને તમામ આરોપો ખોટાં છે.

ગત લોકસભા ચૂંટણી દરમિયાન આઝમ ખાને એપ્રીલમાં એક જનસભામાં રામપુરના ડીએમને નિશાને લીધા હતા. તેમણે કહ્યું હતું કે ચૂંટણી બાદ આમનાથી માયાવતીના ચંપલ સાફ કરાવીશ. કદાચ આ નિવેદન આજે આઝમ ખાનને ભારે પડી રહ્યું છે.

આઝમ ખાને જનસભામાં કહ્યું હતું કે બધા અડગ ઉભા રહો… આ કલેક્ટર ફલેક્ટરથી ડરશો નહી. આ લોકો પગારદારો છે અને આપણે પગારદારોથી ડરતા નથી. મોટા મોટા ઓફિસરો રુમાલ કાઢીને માયાવતીજીના ચંપલ સાફ કરે છે. આપણું એમની સાથે ગઠબંધન છે અને તેમના જ ચંપલ સાફ કરાવડાવીશ. તો લોકસભા ચૂંટણીમાં મળેલી કરારી હાર બાદ અખિલેશ અને માયાવતી અલગ થઈ ચૂક્યા છે, પરંતુ આઝામ ખાનની પરેશાની ઓછી થઈ નથી દેખાઈ રહી.

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને સાંસદ આઝમ ખાનને રામપુરમાં ભૂ-માફિયા જાહેર કરવામાં આવ્યા બાદ ડીએમ આન્જનેય કુમાર સિંહે કહ્યું હતું કે શાસનાદેશ અનુસાર એવા લોકોને ભૂમાફિયા જાહેર કરવામાં આવે છે કે જે દબંગાઈથી જમીનો પર કબ્જો કરવા ટેવાયેલા છે. જે લોકો ખોટી રીતે કરેલા કબ્જાને છોડવા તૈયાર નથી અને જેમની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાયેલી છે તેમનું જ નામ ઉત્તર પ્રદેશ એન્ટી ભૂ-માફિયા પોર્ટલ પર મૂકવામાં આવે છે. સરકાર પણ આની દેખરેખ કરે છે. ડીએમે કહ્યું કે આઝમ ખાન પર જમીન પડાવી લેવાના આરોપમાં થયેલી તપાસમાં સિદ્ધ થયું છે ત્યારબાદ પ્રશાસન દ્વારા કેસ નોંધાવવામાં આવ્યો છે.

સાંસદ આઝમ ખાન અને તેમના સહયોગી વિરુદ્ધ 26 જેટલા ખેડુતોને 5 હજાર હેક્ટર જમીન પડાવી લઈને મહોમ્મદ અલી જૌહર યૂનિવર્સિટીના નિર્માણમાં ઉપયોગ કરવાનો આરોપ છે. આઝમ ખાન વિરુદ્ધ નોંધાયેલા કેસની વિવેચના 3 સદસ્યીય સ્પેશિયલ ટીમ કરશે. પોલીસ અધીક્ષક અજય પાલ શર્માએ કહ્યું કે વિવેચના પૂર્ણ રીતે નિષ્પક્ષ હશે.