SC: અયોધ્યા વિવાદમાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ, 6 ઓગસ્ટથી ખુલ્લી કોર્ટમાં થશે સુનાવણી

નવી દિલ્હી- અયોધ્યા વિવાદ મામલામાં રચાયેલી મધ્યસ્થતા કમિટીએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં પોતાનો આખરી રીપોર્ટ રજૂ કર્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ આજે 2 ઓગસ્ટે સુનાવણી કરી હતી. સુપ્રીમે જણાવ્યું કે વિવાદ ઉકેલવામાં મધ્યસ્થ કમિટી નિષ્ફળ ગઈ છે. હવે 6 ઓગસ્ટથી ખુલ્લી કોર્ટમાં સુનાવણી યોજાશે. સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતામાં પાંચ જજોની બેન્ચની મધ્યસ્થતા કમિટી પાસેથી આ રીપોર્ટ માંગ્યો હતો. આ પહેલાં 18 જુલાઈએ કમિટીએ કોર્ટને સ્ટેટ્સ રીપોર્ટ સોંપ્યો હતો. ત્યારે સીજેઆઈએ કહ્યું હતું કે હમણા મધ્યસ્થતાં કમિટીનો રીપોર્ટ રેકોર્ડ પર લેવામાં આવશે નહી, કારણ કે તે ગોપનીય છે. પેનલ ઝડપથી આખરી રીપોર્ટ સોંપી દે. જો કોઈ હકારાત્મક પરિણામ નહી મળે તો અમે બે ઓગસ્ટથી દરરોજ સુનાવણી કરવા પર વિચાર કરીશું.

 

અયોધ્યા મામલાની સુનાવણી સીજેઆઈ રંજન ગોગોઈની અધ્યક્ષતા અને જસ્ટિસ એસ. એ. બોબડે, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચુડ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એસ. એ. નજીરના સભ્યપદવાળી સંવૈધાનિક બેંચ કરી રહી છે.

 

સુપ્રીમ કોર્ટે આ વર્ષે 8 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ જસ્ટિસ એફ. એમ. કલીફૂલ્લાની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની કમિટીની રચના કરી હતી. આ મામલામાં સર્વસામાન્ય સમાધાન નિકળી શકે. મધ્યસ્થતાં કમિટીમાં આધ્યાત્મિક ગુરુ શ્રીશ્રી રવિશંકર અને વરિષ્ઠ વકીલ શ્રીરામ પાંચૂ પણ સામેલ હતા. મધ્યસ્થતાં પેનલના સંબધિત પક્ષોએ બંધ રૂમમાં વાતચીત કરી હતી. પરંતુ હિન્દુ પક્ષકાર ગોપાલસિંહ વિશારદે પછીથી સુપ્રીમ કોર્ટમાં મધ્યસ્થતા પ્રક્રિયાને રોકી અને આ મામલામાં રોજ સુનાવણી કરવાની મદદ માગી હતી. કારણ કે મધ્યસ્થતાની દિશામાં કોઈ ખાસ પ્રગતિ થઈ રહી ન હતી.

અલહાબાદ હાઈકોર્ટે 30 સપ્ટેમ્બર, 2010ના ચૂકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 14 અપીલ દાખલ કરાઈ છે. હાઈકોર્ટે વિવાદિત 2.77 એકર જમીનને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલ્લા વિરાજમાનની વચ્ચે સરખા ભાગે વિભાજિત કરવાનો આદેશ કર્યો હતો. જો કે સુપ્રીમ કોર્ટે મે 2011માં હાઈકોર્ટના આ ચૂકાદા પર પ્રતિબંધ લગાવવાની સાથે અયોધ્યામાં વિવાદિત સ્થળ પર યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ કર્યો હતો.