મુંબઈઃ કોરોનાવાઈરસ મહામારી સંબંધમાં કરવામાં આવેલા એક નવા અભ્યાસ પરથી અમુક આંચકાજનક માહિતી પ્રાપ્ત છે. એવું જાણવા મળ્યું છે કે હાલ ભારતના અમુક ભાગ સહિત દુનિયામાં અનેક દેશોમાં ફેલાયેલા કોરોનાના JN.1 નામક નવા પ્રકારનો ચેપ લાગવાથી દર્દીનું ગળું ખરાબ થઈ શકે છે અને તેનો અવાજ બેસી શકે છે. કોરોનાનો નવો વાઈરસ મોઢાના સ્વાદ અને ગંધને જ નુકસાન પહોંચાડવા ઉપરાંત ગળાને પણ ગંભીર અસર પહોંચાડી શકે છે. એને કારણે અવાજ પણ બેસી જવાની સંભાવના રહે છે.
કોરોનાનો નવો ચેપી JN.1 વેરિઅન્ટ ભારતમાં કેરળ, કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોના અમુક ભાગોમાં ફેલાયો છે. ચીન, સિંગાપોર સહિત અમુક અન્ય દેશોમાં પણ આ ચેપી બીમારી ફેલાઈ છે.
અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે 15 વર્ષની એક છોકરીને JN.1 વાઈરસનો ચેપ લાગુ પડ્યા બાદ એનો અવાજ જતો રહ્યો હતો. અમુક બાળરોગ નિષ્ણાતોએ SARS-CoV-2 ચેપ ઉપર સંશોધન કર્યું છે. એમાં તેમને જાણવા મળ્યું છે કે નવા વાઈરસને કારણે દર્દીના ગળામાં સંક્રમણ થાય છે. એને કારણે દર્દીનો અવાજ બગડી શકે છે અથવા બેસી જાય એવું બની શકે છે. તબીબી ભાષામાં આને વોકલ કોર્ડ પેરાલિસિસ કહેવામાં આવે છે.