અતીકની પત્ની શાઈસ્તાને માફિયા ઘોષિત કરાઈ

પ્રયાગરાજઃ ઉત્તર પ્રદેશમાં રાજુ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની હત્યાના આરોપી માફિયા અતીક એહમદ અને એના ભાઈ અશરફની પણ અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. ઉમેશની હત્યામાં સંડોવાયેલા શૂટર્સની મદદ કરવાનો અતીકની પત્ની શાઈસ્તા પરવીન પર મૂકવામાં આવ્યો છે. હવે ઉત્તર પ્રદેશ એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (એટીએસ)એ શાઈસ્તાને પણ માફિયા ઘોષિત કરી દીધી છે. શાઈસ્તા હાલ ફરાર છે. પોલીસ એને શોધી રહી છે.

યૂપી પોલીસે તેની એક એફઆઈઆરમાં શાઈસ્તાને માફિયા અપરાધી તરીકે ઓળખાવી છે. પોલીસનું કહેવું છે કે શાઈસ્તા બદમાશોને આશરો આપતી હતી. ઉમેશ પાલની હત્યામાં સામેલ સાબિર શાઈસ્તાનો જ શૂટર હતો. શાઈસ્તા પોતાની સાથે શૂટર રાખતી હતી.

દરમિયાન, પોલીસને પ્રયાગરાજમાં અનેક હોટેલ અને રેસ્ટોરન્ટ વિશે જાણકારી મળી છે, જેનું કનેક્શન માફિયા અતીક એહમદ અને અશરફ સાથે જોડાયેલું છે. એવું કહેવાય છે કે હોટેલના માલિકો અતીકની પત્ની શાઈસ્તાને પૈસા પહોંચાડતો હતો. જે દિવસે ઉમેશની હત્યા કરવામાં આવી હતી ત્યારે બદમાશોને ભાગવાની ગોઠવણ શાઈસ્તાએ જ કરી હતી.