નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય માનદંડને અનુરૂપ રહીને ભારતમાં જેટ ફ્યૂઅલ અથવા એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ (એટીએફ)ની કિંમતમાં આજે 4.6 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. એક મહિનામાં એટીએફની કિંમતમાં આ બીજી વાર ઘટાડો કરાયો છે. જોકે કમર્શિયલ વપરાશ માટેના 19 કિ.ગ્રા. વજનના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમતમાં રૂ. 21નો વધારો કરવામાં આવ્યો છે. 19 કિ.ગ્રા.નું કમર્શિયલ એલપીજી સિલિન્ડર મુંબઈમાં હવે રૂ. 1,749ના ભાવે મળશે. ગઈ 16 નવેમ્બરે આ દરમાં રૂ. 77નો ઘટાડો કરવામાં આવ્યો હતો.
ઘરેલુ વપરાશ માટેના એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરાયો નથી અને 14.2 કિલોગ્રામનું સિલિન્ડર રૂ. 903 ભાવે યથાવત્ છે. એટીએફની કિંમત પ્રતિ કિલોલિટર રૂ. 1,06,155.67 છે. દરેક એરલાઈનને થતા કુલ ખર્ચમાં એટીએફનો હિસ્સો 40 ટકા જેટલો હોય છે.