શાકભાજી, અનાજ પછી હવે દાળો-કઠોળ પણ મોંઘાં

નવી દિલ્હીઃ હાલના સમયમાં દાળોની કિંમતો સતત વધી રહી છે. જેથી આમ જનતા મોંઘવારીથી ત્રસ્ત થઈ છે. અન્ય ખાદ્ય પદાર્થોની તુલનામાં દાળોની કિંમતો પર કાબૂ મેળવવો મુશ્કેલ છે, કેમ કે દાળોને મામલે ભારત સૌથી મોટ ઉત્પાદક અને ઉપભોક્તા દેશ –બંને છે. દાળોની કિંમતો વધવી એ ચિંતાજનક વિષય છે, કેમ કે અનેક પરિવારો માટે એ પ્રોટીનનો મહત્ત્વનો સોર્સ છે.

દેશમાં સામાન્ય રીતે અડદ, મસૂર, ચણા, તુવેર અને મગ સહિત વિવિધ પ્રકારની દાળો-કઠોળનો ઉપયોગ કરવામાં આવે છે. દિલ્હીમાં તુવેર દાળની કિંમત પ્રતિ કિલો રૂ. 118ની તુલનાએ આશરે 50 ટકા વધીને રૂ. 173એ પહોંચી છે. કૃષિ મંત્રાલયના ડેટા મુજબ આ વર્ષે ખરીફ દાળોનો પાક પાંચ વર્ષની સરેરાશથી 11.5 ટકા ઓછો છે. જેથી પાછલા મહિનાના અંત સુધીમાં ઉત્પાદન ઘટીને 71.2 લાખ ટન થવાની સંભાવના છે, જે ગયા વર્ષે 81.6 લાખ ટન હતું. આ ઉત્પાદન વર્ષ 2016-17માં 996 લાખ ટન હતું.

કર્ણાટક, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર જેવાં મુખ્ય ઉત્પાદક રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થતા ઉત્પાદનમાં ઘટ પડી છે. આ ઉપરાંત ચાલુ વર્ષે શિયાળુ પાકોમાં ચણાની વાવણીમાં આ વર્ષે 12 ટકાનો ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે દાળોનો સપ્લાય સીમિત છે,  27-28 મિલિયન વાર્ષિક ઉત્પાદન સાથે ભારત વિશ્વનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. એ ઓસ્ટ્રેલિયા, કેનેડા, મોઝામ્બિક, મલાવી અને મ્યાનમારથી દાળોની આયાત કરે છે, પણ એ આયાતની માત્ર વાર્ષિક 30 લાખ ટનથી પણ ઓછી છે.