બુલઢાણા (મહારાષ્ટ્ર): ઓલ ઈન્ડિયા એમઆઈએમ પાર્ટીના વડા અને સંસદસભ્ય અસદુદ્દીન ઓવૈસીએ ગયા શનિવારે અહીં એમના પક્ષની એક જાહેર સભા બોલાવી હતી. એમાં ક્રૂર-નિર્દયી મોગલ બાદશાહ ઔરંગઝેબના સમર્થનમાં ‘જબ તક સૂરજ ચાંદ રહેગા, ઔરંગઝેબ તેરા નામ રહેગા’ નારા લગાવવામાં આવ્યા હતા. એને કારણે તે પરિસરમાં અમુક સમય સુધી તંગદિલી ફેલાયેલી રહી હતી. આ સંબંધમાં બુલઢાણા શહેરના મલકાપૂર વિસ્તારના પોલીસ સ્ટેશને એક જણ સામે ગુનો નોંધ્યો છે.
સભા પૂરી થયા બાદ પણ અમુક જણે શહેરના સાલીપુરા વિસ્તારમાં ઔરંગઝેબના સમર્થનમાં નારા લગાવતાં ત્યાં પણ થોડોક સમય સુધી વાતાવરણ તંગ રહ્યું હતું. સાલીપુરા વિસ્તારમાં પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ પ્રકરણમાં પોલીસે આઈપીસીની કલમ 153-A અને505 (1) (B) હેઠળ અજ્ઞાત વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
