નવી દિલ્હીઃ એઆઈએમઆઈએમ પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીકા કરી છે. તેમણે ટ્રમ્પને હાઉડી મોદી કાર્યક્રમમાં આપેલા એક નિવેદન પર ઘેર્યા હતા. ટ્રમ્પે કાર્યક્રમમાં વડાપધાન મોદીને ‘Father of India’ ગણાવ્યા હતા, હવે આ વાત પર ઓવૈસી ભડક્યા અને ટ્રમ્પ પર કર્યા આકરા શાબ્દિક પ્રહારો.
ઓવૈસીએ ડોનાલ્ડ ટ્રમ્પને અભણ ગણાવતા કહ્યું કે તેમને ભારતના ઈતિહાસનું કોઈ જ્ઞાન નથી. ઓવૈસીએ દાવો કર્યો કે અમેરિકી રાષ્ટ્રપતિના આ નિવેદને ભારતના વારસાનું અપમાન કર્યું છે. ઓવૈસીએ કહ્યું કે, ટ્રમ્પને આપણા સ્વતંત્રતા સંગ્રામનું કોઈ જ્ઞાન નથી. મોદી રાષ્ટ્રના પિતા ન હોઈ શકે, કારણે આપ તેમની તુલના મહાત્મા ગાંધી સાથે ન કરી શકો. ત્યાં સુધી કે જવાહર લાલ નહેરુ અને સરદાર પટેલ જેવા દિગ્ગજોને પણ આ પ્રકારના ખિતાબ નથી આપવામાં આવ્યા.
ઓવૈસીએ આગળ કહ્યું, કે હું આને ટ્રમ્પની બુદ્ધિમત્તા પર છોડું છું પરંતુ હું તેમના દ્વારા વડાપ્રધાન મોદીને આપવામાં આવેલા ફાધર ઓફ ઈન્ડિયાના શીર્ષકને સ્વીકાર ન કરી શકું. ઓવૈસીએ એપણ કહ્યું કે આને લઈને વડાપ્રધાન મોદી સામે આવશે અને ટ્રમ્પે જે કહ્યું છે કે તેના પર સ્પષ્ટીકરણ આપશે.
અસદુદ્દીન ઓવૈસીએ ટ્રમ્પ દ્વારા વડાપ્રધાન મોદીની તુલના અમેરિકી સંગીતકાર એલ્વિસ પ્રેસ્લી સાથે કરવા પર પણ એક નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી અને પ્રેસ્લીમાં થોડી સમાનતા છે. પ્રેસ્લી સારુ સંગીત પીરસીને મહેફિલ જમા કરાવે છે અને એવી જ રિતે વડાપ્રધાન મોદી પોતાના ભાષણો સાથે કરે છે અને સારુ ભાષણ આપે છે.