નવી દિલ્હી: નાગરિક સંશોધન બિલ 2019ને લઈને આજે લોકસભામાં જોરદાર હંગામો જોવા મળ્યો. બિલનો વિરોધ કરતા એઆઈએમઆઈએમ સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એક ટિપ્પણીને સદનની કાર્યવાહીમાંથી હટાવી દેવામાં આવી છે. ઓવૈસીએ બિલના વિરોધમાં ગૃહમંત્રી અમિત શાહની તુલના હિટલર સાથે કરતા કહ્યું કે, જો આ બિલ પાસ થઈ જશે તો ગૃહમંત્રીનું નામ હિટલર અને દવિદ બેન-ગોયોનના લિસ્ટમાં આવી જશે. સ્પીકરે આ ટિપ્પણી બદલ ઓવૈસીને ફટકાર લગાવતા કહ્યું કે, સદનમાં આ પ્રકારના અમર્યાદિત શબ્દોનો પ્રયોગ ન થવો જોઈએ. આ સાથે જ સ્પીકરે સદનની કાર્યવાહીમાંથી આ શબ્દને હટાવવાની પણ જાહેરાત કરી.
ઓવૈસીએ બિલના વિરોધમાં કહ્યું કે, હું સ્પીકરના માધ્યમથી અપીલ કરવા માગુ છું કે, દેશને આ પ્રકારના કાયદાથી બચાવો. ગૃહમંત્રીને આ કાયદાથી બચાવો નહીં તો તેમનું નામ પણ ન્યૂરેમબર્ગ રેસ લો અને ઈઝરાયલ સિટિઝનશિપ એક્ટની લિસ્ટમાં સામેલ થઈ જશે. ગૃહમંત્રીનું નામ હિટલર અને દવિદ બેન-ગોયોનની લિસ્ટમાં આવી જશે. મહત્વનું છે કે, ગોયોનને આધુનિક ઈઝરાયલના સ્થાપક માનવામાં આવે છે. ઓવૈસીના આ નિવેદન પર ભાજપના સભ્યોએ આપત્તિ નોંધાવી ત્યાર બાદ આ ટિપ્પણીને સદનના રેકોર્ડમાંથી હટાવી દેવામાં આવી.
નાગરિક સંશોધન બિલને રજૂ કર્યા બાદ વિપક્ષની માગ પર સદનમાં મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સદને 82 મતોની સામે 293 મતોથી આ બિલને રજૂ કરવાની સ્વીકૃતિ આપી હતી. શિવસેનાએ બિલને રજૂ કરવાના સમર્થનમાં મત આપ્યો. હવે સત્તાપક્ષ અને વિપક્ષ બિલ પર ચર્ચા કરશે ત્યારબાદ વોટિંગ કરવામાં આવશે. આ બિલ લોકસભામાં પાસ થઈ ગયા બાદ રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
તો બીજી તરફ નાગરિકતા સંશોધન બિલના વિરોધમાં અસમ અને પૂર્વોત્તરના કેટલાક રાજ્યોમાં પ્રદર્શન ચાલી રહ્યું છે. આ દરમ્યાન બીજેપી મહાસચિવ રામ માધવ એ બિલનો બચાવ કરતા કહ્યું કે, પાડોશી દેશોવા પીડિત શરણાર્થીઓ માટે આ જરૂરી છે. પાડોશી દેશોમાં શરણાર્થીની જેમ રહેતા આ લોકો ત્યાં પીડિત હતા. ધાર્મિક આધાર પર તેમની સાથે ભેદભાવ કરવામાં આવતો હતો. ભારતની એ નૈતિક જવાબદારી છે કે,આ લોકોને નાગરિકતા આપવામાં આવે.
રામ માધવે ઈમિગ્રેન્ટ્સ એક્ટનો હવાલો આપતા કહ્યું કે, નાગરિકતા બિલનો વિરોધ કરનારા ટીકાકારોને હું યાદ આપાવવા માગુ છું કે, પંડિત નેહરુએ પણ 1950માં આ પ્રકારનો જ કાયદો બનાવ્યો હતો. કાયદામાં ખાસ કરીને પૂર્વ પાકિસ્તાન (બાંગ્લાદેશ)ના અલ્પસંખ્યકોના બચાવની જોગવાઈ હતી. આ કાયદા હેઠળ પૂર્વ પાકિસ્તાનથી આવતા અલ્પસંખ્યકોને આ બિલ હેઠળ સુવિધા પૂરી પાડવામાં આવી હતી અને નક્કી કરવામાં આવ્યું હતું કે, તેમના ઉપર આ કાયદો લાગૂ નહીં કરવામાં આવે. રામ માધવે અંતે કહ્યું કે, પ્રવાસી લોકો દેશને ધર્મના આધાર પર વહેચવાની ઐતિહાસિક ભૂલની સજા ભોગવી રહ્યા છે. ભારતની એ નૈતિક જવાબદારી છે કે, આ અલ્પસંખ્યકોને નાગરિકતા આપવામાં આવે.