નવી દિલ્હીઃ ગેસ ચેમ્બર બનેલી દિલ્હીમાં વાયુ ગુણવત્તા ‘ગંભીર’ શ્રેણીમાં બનેલી છે. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (CPCB)ના જણાવ્યાનુસાર દિલ્હીના આનંદ વિહારમાં AQI 453, આરકે પુરમમાં 453, પંજાબી બાગમાં 444 અને ITOમાં 441 નોમધવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે પ્રદૂષણને લીધે બધી સ્કૂલોને ડિસેમ્બરની શિયાળાની રજાઓને રિશિડ્યુલ કરતા નવથી 18 નવેમ્બર સુધી કરી દીધી છે. સરકાર દિલ્હીમાં પ્રદૂષણ ઓછું કરવા કૃત્રિમ વરસાદનું આયોજન પણ કરી રહી છે.
ગાઝિયાબાદમાં AQI બહુ ખરાબ શ્રેણીમાં છે. ગૌતમ બૌદ્ધ નગરના જિલ્લા મેજિસ્ટ્રેટ મનીષ વર્માએ ઉદ્યોગો અને બિલ્ડરોને સાઇટો પર પ્રદૂષણવિરોધી ઉપાયો વધારવા નિર્દેશ આપ્યા છે. તેમણે સરકારી અધિકારીઓને નોએડા અને ગ્રેટર નોએડામાં NGT માપદંડોનું ઉલ્લંઘન કરનારાની વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યા છે. તેમણે બધાં બાંધકામ પ્રવૃત્તિ પર હાલ પ્રતિબંધ લગાવી દીધો છે.
દિલ્હીના ડિસિઝન સપોર્ટ સિસ્ટમના આંકડા અનુસાર દિલ્હીમાં બુધવારે 38 ટકા પ્રદૂષણ માટે પડોશી રાજયો- ખાસ કરીને પંજાબ અને હરિયાણામાં પરાલી સળગાવવાથી નીકળતો ધુમાડો જવાબદાર હતો. ગુરુવારે શહેરમાં પ્રદૂષણના સ્તરને પરાલી સળગાવવાની ઘટનાઓનું યોગદાન 27 ટકા અને શુક્રવારે 12 ટકા રહેવાની આશંકા છે.પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યું હતું કે હવાની ગતિ આટલી વાર સુધી ક્યારેય સ્થિર નથી રહેતી. જો અમે નવા પ્રદૂષણ પર કાબૂ નહીં મેળવ્યો તો સ્તર બહુ વધી જશે એટલે અમે કડક પગલાં લઈ રહ્યા છીએ. તેમણે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર એપ આધારિત ટેક્સીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો હતો.