લખનઉઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને જાનથી મારી નાખવાની ધમકી આપનાર શખસની મુંબઈ ATSએ ધરપકડ કરી છે. આરોપીનું નામ છે કામરાન અમીન ખાન. એને ઉત્તર પ્રદેશ STFને સોંપી દેવામાં આવ્યો છે. તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. આરોપીએ કબૂલ કર્યું છે કે તેણે જ યોગીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી હતી. યુપીના ગોમતીનગર પોલીસ સ્ટેશનમાં આરોપીની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
કોણ છે આરોપી
મુંબઈ ATS દ્વારા ધરપકડ કરવામાં આવેલા શખસની ઓળખ કામરાનના રૂપમાં કરવામાં આવી છે. તે મુંબઈનો રહેવાસી છે. ઝવેરીબજારમાં અગાઉ સિક્યોરિટી ગાર્ડની નોકરી કરનાર કામરાન પર 2017માં સ્પાઇન ટીબીનું ઓપરેશન થયું હતું. એ પછી તેણે નોકરી છોડી દીધી હતી. હાલ તે કોઈ કામ કરતો નથી. કામરાનના પરિવારમાં માતા, બહેન અને એક ભાઈ છે.
કામરાનના પિતા ટેક્સી ચલાવતા હતા. બે મહિના પહેલાં તેમનું મોત થયું હતું. તેનો મોટા ભાઈ ઇમરાન અલી ખાન મોબાઇલ રિપેરિંગનું કામ કરે છે. કામરાનની માતા શિરીન પહેલાં શિક્ષિકા હતી, પણ હાલ તે કોઈ કામ નથી કરતી. તેની બહેન ઝરીન મેહંદીના ક્લાસ ચલાવે છે. યુપીમાં કામરાનના કોઈ સગાંસંબંધી નથી. તે મુંબઈ ચૂનાભઠ્ઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ન્યુ મહાડા કોલોનીનો રહેવાસી છે. 25 વર્ષીય કામરાને પાંચમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે. તે નશાનો બંધાણી છે.