સંસદભવન સંકુલમાં સભ્યો માટે કોરોના રસીકરણ-ટેસ્ટિંગ વ્યવસ્થા

નવી દિલ્હીઃ સંસદનું બજેટ સત્ર આજથી શરૂ થશે. તે 8 એપ્રિલ સુધી ચાલશે. સેન્ટ્રલ હોલ ખાતે સવારે 11 વાગ્યે બંને ગૃહને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી સત્રનો આરંભ થશે. રાષ્ટ્રપતિનું સંબોધન પૂરું થયાના અડધા કલાક બાદ લોકસભામાં રોજિંદી કાર્યવાહી શરૂ થશે.

સંસદસભ્યો તથા મુલાકાતીઓ માટે સંસદભવન સંકુલની અંદર જ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની તેમજ કોરોના-પરીક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. લોકસભા ચેમ્બર તથા સંકુલના અન્ય ભાગોમાં પર્યાપ્ત વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાનો ફેલાવો રોકવા માટે લાગુ કરાયેલા નિયંત્રણો અંતર્ગત લોકસભા, રાજ્યસભા, બંનેની ગેલરી (પ્રેસ ગેલરી સિવાય)માં સભ્યોને સીટની ફાળવણી કરવામાં આવશે એ પ્રમાણે જ એમણે બેસવાનું રહેશે. સત્રના પહેલા બે દિવસ દરમિયાન બંને ગૃહમાં ઝીરો અવર અને પ્રશ્નોત્તર કલાકનો સમાવેશ રખાશે નહીં.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન આર્થિક સર્વેક્ષણ 2021-22 લોકસભામાં રજૂ કરશે. તેઓ આવતીકાલે સવારે 11 વાગ્યે કેન્દ્રીય બજેટ-2022 લોકસભામાં રજૂ કરશે.