ગોળી વાગવા છતાં સેનાનો ‘ઝૂમ’ આતંકવાદીઓ સાથે લડ્યો

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં સુરક્ષા દળો અને આંતકવાદીઓની વચ્ચે થયેલી અથડામણમાં સેનાનો હુમલો કરનાર ડોગ ‘ઝૂમ’  ગંભીર રીતે ઘાયલ થયો હતો. સુરક્ષા દળોએ આતંકવાદીઓની હાજરી વિશે માહિતી મળતા રવિવારે મોડી રાતે દક્ષિણ કાશ્મીર જિલ્લાના તંગપાવા વિસ્તારમાં ઘેરાવબંધી અને તપાસ ઝુંબેશ શરૂ કરી હતી. સેનાએ હુમલો કરવા માટે સક્ષમ ‘ઝૂમ’ને એ ઘરની અંદર મોકલ્યો હતો, જ્યાં આતંકવાદીઓ છુપાયા હતા. ‘ઝૂમે’ આતંકવાદીઓની ઓળખ કરી અને તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં એને પણ બે ગોળી વાગી હતી, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે ‘ઝૂમ’ એક તાલીમાર્થી કૂતરો છે. આતંકવાદીઓને શોધી કાઢવા અને તેમને ખતમ કરવા માટે એને તાલીમ આપવામાં આવી હતી. દક્ષિણ કાશ્મીરમાં ‘ઝૂમ’ અનેક સક્રિય તપાસ ઝુંબેશોનો ભાગ રહ્યો હતો. હંમેશાંની જેમ ‘ઝૂમ’ને એ ઘરને ખાલી કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું, જ્યાં આતંકવાદીઓ સંતાયા હતા.

આ તપાસ ઝુંબેશમાં ‘ઝૂમ’ને બે ગોળી વાગી હતી અને ગંભીર રીતે ઘાયલ થયો હતો. ત્યાર બાદ ‘ઝૂમે’ આતંકવાદીઓની ઓળખ કરી અને તેમના પર હુમલો કર્યો હતો. એ આતંકવાદી સાથે લડતો રહ્યો હતો. આ જ કારણે બે આતંકવાદીઓ આ અથડામણમાં માર્યા હતા. આ અથડામણ પૂરી થયા પછી ‘ઝૂમ’ને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ અથડામણમાં લશ્કર-એ-તૈયબાએ બે આતંકવાદીઓ માર્યા ગયા હતા અને અનેક જવાન ઘાયલ થયા હતા.