નવી દિલ્હી – કેન્દ્રીય કાપડપ્રધાન સ્મૃતિ ઈરાનીનું કહેવું છે કે ગાંધી પરિવારનું કોઈ પણ સભ્ય, પછી એ ભારતનું હોય કે ઈટાલીનું હોય, તે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વારાણસીમાં ચૂંટણીમાં હરાવી શકે નહીં.
ઝી ન્યૂઝને આપેલી મુલાકાતમાં, ઈરાનીએ જણાવ્યું કે ગાંધી પરિવાર ભલે ગમે ત્યાંથી પરિવારનું સભ્ય લઈ આવે – પછી એ ભારતની અંદર હોય કે ઈટાલીમાંથી લઈ આવે, એ લોકસભા ચૂંટણીમાં વારાણસી બેઠક પર પીએમ મોદીની સામે હારી જશે.
વારાણસી લોકસભા બેઠકની ચૂંટણી માટે વડા પ્રધાન મોદીની સામે કોંગ્રેસ પાર્ટી કદાચ મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રાને ઉમેદવાર બનાવશે એવા અહેવાલોના સંદર્ભમાં સ્મૃતિ ઈરાનીએ ઉપર મુજબ કહ્યું હતું.
એમણે કહ્યું કે, આખા ગાંધી પરિવારનાં તમામ સભ્યોને રાજકારણમાં લઈ આવો. તમારા કાકા, બનેવી, જે કોઈ હોય તેને, રાજકારણમાં લઈ આવો. પછી એ ભારતમાં હોય કે ઈટાલીમાં હોય, પરંતુ તે છતાં વડા પ્રધાન મોદી સત્તા પર આવશે.
સ્મૃતિ ઈરાનીએ ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી ઉમેદવારી નોંધાવી છે. આ બેઠક પર તે કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીનો સામનો કરી રહ્યાં છે. 2014ની ચૂંટણીમાં રાહુલની સામે જ સ્મૃતિનો પરાજય થયો હતો.
સ્મૃતિએ રાહુલની ટીકા કરતાં કહ્યું કે 2014માં અમેઠીમાંથી જીત મળી હોવા છતાં રાહુલ ગાંધી લોકોને છોડીને લોકસભા ચૂંટણી લડવા માટે કેરળના વાયનાડમાં ભાગી ગયા છે. ભારતના રાજકારણમાં આવું પહેલી જ વાર બન્યું છે કે પક્ષનાં કાર્યકર્તાઓએ કોંગ્રેસના પ્રમુખને લેખિતમાં જણાવ્યું કે અમેઠી સીટ એમને માટે સુરક્ષિત નથી એટલે તે કોઈક અન્ય બેઠક ઉપરથી પણ ચૂંટણી લડે. રાહુલમાં નેતૃત્ત્વનો અભાવ છે, એમ પણ ઈરાનીએ વધુમાં કહ્યું.